જીવનભર વિદ્યાર્થી બની કંઈક શીખવાનો આગ્રહ રાખનાર વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે : રાજ્યપાલ…

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડી.લીટ્.અને સુવર્ણપદક પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો..

શિક્ષણ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન બદલ બે મહાનુભાવોને ડી.લીટ્. ની માનદ પદવી એનાયત કરાઈ..

પાટણ તા. ૨૫
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં શુક્રવારે ડી. લીટ્. પદવીદાન અને સુવર્ણ પદક એનાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલના વરદ હસ્તે પ્રો. કપિલ કપૂર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી. લીટ્. ની પદવી આપવામાં આવી હતી.
રાજ્યપાલ તેમજ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીની જુદી જુદી ૧૦ થી વધારે વિદ્યાશાખાઓના ૩૫૯ વિદ્યાર્થીઓને ૪૪૪ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડી.લીટ્. અને સુવર્ણચંદ્રક અર્પણ સમારોહમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે.
” સા વિદ્યા યા વિમુક્તયે ” શ્લોકના માધ્યમથી તેમણે ભારતની જ્ઞાન પરંપરા, ઋષિ પરંપરાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવી ભારતના દર્શન શાસ્ત્ર, તત્વજ્ઞાન અને કેળવણીનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો. વેદમાં વિદ્યાના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે જેમાં પરંપરાગત શિક્ષણને અપરા વિદ્યા કહેવાઈ છે. જ્યારે જીવનદર્શન શીખવતા અધ્યાત્મને પરા વિદ્યા કહેવાઇ છે. કોઈપણ વ્યક્તિ આ પરંપરાગત શિક્ષણ અને અધ્યાત્મજ્ઞાન એમ બંને વિદ્યા દ્વારા જ જીવનમાં ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભારતીય જ્ઞાન પરંપરા રોટી, કપડાં અને મકાનની ભૌતિક સુવિધાઓના દ્રષ્ટિકોણથી આગળ વધી આત્માને ઓળખી મોક્ષ પ્રાપ્તિ સુધીની સાધના-આરાધનાનું મહત્વ સમજાવે છે. આપણી જ્ઞાન પરંપરા કર્મના સિદ્ધાંત, અધ્યાત્મવાદ અને તત્વજ્ઞાન આધારિત છે જે જીવન મૂલ્ય શીખવે છે. ફકત ખાઓ, પીઓ અને મૌજ કરો એ જીવનનું લક્ષ્ય નથી. આ પૃથ્વી પર જડ-ચેતન સહિત કોઈપણ વસ્તુ ઉદ્દેશ્ય વિનાની નથી. તો આપણું જીવન ઉદ્દેશ્ય હિન ન હોવું જોઈએ. આ શરીર, આ જીવન થકી ધર્મ ,અર્થ કામ અને અંતે મોક્ષ માર્ગની આધ્યાત્મિક સફરને ઓળખવી પડે, આત્મા એજ પરમાત્મા છે એ માનવ જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ.
આપણી સંસ્કૃતિ “સર્વે ભવંતુ સુખિનઃ ” અને “વસુધૈવ કુટુંબકમ્” ની છે. માનવતાથી મોટો કોઇ ધર્મ નથી અને વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. રાજ્યપાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની વિરાસત, જીવન મૂલ્ય, જ્ઞાન પરંપરા જીવનનો હિસ્સો બની રહે એ માટે એના પુનઃ સ્થાપનનું ભગીરથ કાર્ય કર્યું છે. જેમાં આપણે સૌ સહભાગી બની માનવજીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરીએ એવી તેમણે અપીલ કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભાગ્યશાળી દિવસ છે કારણ કે પાટણની ધરા પર કાર્યક્રમ થઈ રહ્યો છે. મને માનનીય કપિલ કપુરજીને સન્માનિત કરવાનું સદભાગ્ય મળ્યું અને શ્રી પ્રો. ઈન્દુમતી કાટદરેનું જીવન ઉત્તર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શિકા બની શકે તેવું છે. હું પ્રત્યક્ષ રીતે તેનો સાક્ષી છું, તેમણે આપેલ વિચારો અને બાળ સાહિત્યમાં તેમનું પ્રદાન જીવન ઘડતર માટે બહુમૂલ્ય છે. સરસ્વતી શિશુ મંદિર જેમાં બાળકોને ઉત્તમ સંસ્કારો આપવામાં આવે છે. શિક્ષકોને પણ શિક્ષિત કરીને ભારતીય જીવન પદ્ધતિ અને મૂલ્યવાન પદ્ધતિ સહિતના સંસ્કારો આપવાનું કામ થાય છે. શિશુ મંદિરમાં તૈયાર થયેલા વિધાર્થીઓ સમગ્ર દેશમાં અલગ પ્રકાશ પાડી રહ્યા છે. જેનાથી સમાજ જીવનમાં બદલાવ આવી રહ્યા છે. મારી દીકરીઓ પણ સરસ્વતી શિશુમંદીરમાં અભ્યાસ કરીને તૈયાર થઈ છે એટલે પ્રત્યક્ષ રીતના આ સંસ્કારો આજે પણ હું અનુભવી રહ્યો છું. વધુમાં જણાવતાં કહ્યું હતું કે, હું રાજયપાલને વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખું છું. રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ લાવી રહ્યા છે. જેના લીધે કેન્સર મુક્ત સમાજનું અભિયાન સાર્થક થઈ રહ્યું છે.
આ પ્રસંગે જયંતિભાઈ ભાડેસિયા,કુલપતિ ડૉ. કે.સી પોરિયા,જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી વદનસિંહ બોડાણા,પ્રો. ઈન્દુમતી કાટદરે, કુલ સચિવ ડૉ.રોહિત દેસાઈ, યુનિવર્સિટીના ઇ.સી. મેમ્બર્સ, પ્રાધ્યાપકગણ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here