ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે: સાંસદ શ્યામકુમાર બરવે
દિલ્હીમાં ૧ તારીખે મહારૈલી: ગુજરાતના તમામ બૂથ સુધી જશે કોંગ્રેસ
પાટણ : કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ આંદોલન તેજ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત થયેલા રામટેકના લોકસભા સાંસદ શ્યામકુમાર બરવે તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને AICC સેક્રેટરી સુભાષિની યાદવ, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ, પાટણ જીલ્લા કોંગ્રસ પ્રમુખ ઘેમરર્ભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર મત ચોરીના ગંભીર આક્ષેપો સાથે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા થનાર દેશવ્યાપી આંદોલનથી માહિતગાર કરાયા હતા.
પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ શ્યામકુમાર બરવેએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદથી જ રાહુલ ગાંધી પુરાવાઓ સાથે ચૂંટણી પંચ અને મત ગણતરીમાં થતી ગેરરીતિઓનો પર્દાફાશ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષમાં ૩૨ લાખ મત ઉમેરાયા, જ્યારે લોકસભા બાદ માત્ર ચાર મહિનામાં જ અચાનક ૪૦ લાખ નવા મતો ઉમેરી દેવાયા, જેની પાછળ મોટું કૌભાંડ હોવાની શંકા છે.
ચૂંટણી પંચની ભૂમિકા અને નિયમોમાં ફેરફાર સામે સવાલ સાંસદે આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી સમિતિમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને બાકાત કરી દેવામાં આવ્યા અને ચૂંટણી કમિશનરને વિશેષ સંરક્ષણ આપવામાં આવ્યું, જેથી તેમની સામે કોઈ એફઆઈઆર ન થઈ શકે. ચૂંટણી પંચના જ બે અધિકારીઓએ આ બાબતે ૧૪ જેટલી અસહમતિ દર્શાવી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. વિપક્ષના સાંસદો ચૂંટણી પંચને મળવા જાય છે ત્યારે ગૃહમંત્રી પોલીસને આગળ કરી દે છે અને ચૂંટણી પંચના સવાલોના જવાબો ભાજપના નેતાઓ કેમ આપી રહ્યા છે તેવો રોષ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભાજપ-ચૂંટણી પંચની મિલીભગતથી લોકશાહી ખતરામાં: સાંસદ ગેનીબેન ઠકોર
ભાજપ સરકાર સરકારી તંત્ર અને ચૂંટણી પંચ સાથે મળીને મતદાર યાદીઓમાં મોટા પાયે છેડછાડ કરી રહી છે અને લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ કરી રહી છે, તેવો આકરો પ્રહાર સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકસભા કે વિધાનસભા સહિતની ચૂંટણીઓમાં ભાજપ ચૂંટણી જીતવા માટે અધિકારીઓ મારફતે મતદાર યાદી સાથે ચેડાં કરે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપતાં તેમણે દાવો કર્યો હતો કે, ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયા બાદ અને ઉમેદવારો જાહેર થઈ ગયા પછી પણ પાટણ સંસદીય ક્ષેત્રમાંથી મતદારોના નામ બનાસકાંઠામાં તબદીલ કરવામાં આવ્યા હતા. ભાજપ પોતાની નબળી બેઠકો પર જીત મેળવવા માટે આજુબાજુની બેઠકો કે અન્ય રાજ્યોમાંથી બોગસ મતદારો દાખલ કરાવવાનો ખેલ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહી છે.
તેમણે બંધારણીય સંસ્થાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચમાં નિયુક્ત થયેલા મુખ્ય અધિકારીઓ સમક્ષ ફોર્મ અને યાદીઓમાં થયેલી ગેરરીતિ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જ્યારે વિપક્ષ ચૂંટણી પંચની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠાવે છે ત્યારે ભાજપ તેના બચાવમાં મેદાનમાં આવી જાય છે, જે બંને વચ્ચેની મિલીભગત સાબિત કરે છે. તેઓએ જણાવ્યું કે મતદારોના છીનવાયેલા મતાધિકાર પાછા અપાવવા અને યાદીમાં પારદર્શિતા લાવવા માટે કોંગ્રેસ બૂથ સ્તરથી લઈને દેશવ્યાપી આંદોલન ચલાવશે.
દિલ્હીમાં ૧ તારીખે મહારૈલી: ગુજરાતના તમામ બૂથ સુધી જશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં ગત ૬ ઓક્ટોબરથી સતત આંદોલન ચાલી રહ્યું છે અને આગામી ૧ તારીખે દિલ્હી ખાતે વિશાળ મહારૈલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન આ લડત ચાલુ રાખશે. ગુજરાતમાં પણ જિલ્લા, બ્લોક, મંડળ અને ગામડાં સુધી એક મહિના સુધી આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.




