પાટણ: પાટણની જાણીતી જનતા હોસ્પિટલ ખાતે છેલ્લા આઠ કરતાં વધુ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચાલુ સાલે પણ શરદ પૂનમના પાવન પર્વે ભોમકા દેવીના હવનનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોસ્પિટલ પરિસરમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.

આ ધાર્મિક કાર્યમાં જનતા હોસ્પિટલના જાણીતા કેન્સર સર્જન ડો. જય પટેલ તેમજ તેમના ધર્મપત્નીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે હવનમાં બેસી આહુતિઓ આપી પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો. સવારે ૮:૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનો શુભારંભ થયો હતો. ત્યારબાદ ૧૧:૩૦ કલાકે ભક્તિમય વાતાવરણમાં મહાઆરતી સંપન્ન થઈ હતી અને બપોરે ૧૨:૦૦ વાગ્યાથી આમંત્રિત મહાનુભાવો તથા સ્ટાફ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ, ડો. જે. કે.પટેલ, કેતાબેન પટેલ, શહેરના પ્રતિષ્ઠિત તબીબો, હોસ્પિટલના અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન તથા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.




