૫૦થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર,ઉભા કૃષિપાકોને નુકસાનની ભીતિ

૫૦થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર,ઉભા કૃષિપાકોને નુકસાનની ભીતિ

કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે ખેડૂતો અને પશુપાલકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. અધિક જેઠ,બીજો જેઠ અને અડધો અષાઢ મહિનો વીતી ગયા બાદ પણ બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લામાં વરસાદ ન પડતા ખેડૂતો પશુપાલકો સૌને ચિંતા હતી.ત્યારે દેવપોઢી અગિયારસ પહેલાં જિલ્લા ના અનેક ભાગોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.એક તરફ ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે, તો બીજી તરફ ઓગડ તાલુકાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તે વેદના પણ લઈને આવ્યો છે.ઓગડ તાલુકાના થરા-દિયોદર રોડ પર આવેલા કંથેરિયા ગામમાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ વિકટ બની છે.પાણી ના નિકાલ ન થવાથી ગામનાનીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.સંપર્ક તૂટ્યો,સરપંચ, સ્થાનિક લોકો વહીવટી તંત્ર દોડતું થયું ભારે વરસાદના કારણે કંથેરિયા ગામ તરફ જતો મુખ્ય સંપર્ક માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.જેના કારણે ગામના નીચાણવાળા બહારના વિસ્તારોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે.ગામના લોકોને અવર જવર માં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પરિસ્થિતિની ગંભીરતાને પગલે ગામના સરપંચ દ્વારા તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તંત્રની મદથી અને ગામજનોના સહયોગથી ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા ૫૦થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. હાલમાં તમામ સ્થળાંતરિત પરિવારો સલામત છે અને તેમના માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ બાજુ સત વરસાદના કારણે ખેતરોમાં ઉભેલો કપાસ, બાજરી અને અન્ય શાકભાજીનો પાક તેમજ તાજેતરમાં વાવણી કરાયેલો પાક પાણીમાં ડૂબી જવા પામ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને ભારે નુકસાન થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં પણ આ જ રીતે વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે.
તંત્રની અપીલ સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે વધુ રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા ગામલોકોને અપીલ કરવામાં આવી છે કે તેમણે ગભરાવાની જરૂર નથી. વરસાદ દરમિયાન નદી, નાળા અને ભરાયેલા પાણીવાળા વિસ્તારોથી દૂર રહેવું. બિનજરૂરી બહાર ન નીકળવું અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું.
હાલમાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક છે અને કોઈપણ પરિસ્થિતિ નો સામનો કરવા તૈયાર છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here