પાટણના સરસ્વતી તાલુકામાં અનાજ માફિયાઓ બેફામ બનતા તંત્ર હરકતમાં આવ્યું

પાટણ જિલ્લો તથા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અનાજના કાળા કારોબારનો ચિંતાજનક મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. પાટણ સરસ્વતી તાલુકાના મોરપા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા મોટા પાયે સરકારી અનાજની ગેરરીતિ કરવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો છે.

મળતી માહિતી મુજબ, મોરપા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો સગે-વાગે રીતે બહાર કાઢી કાળા બજારમાં વેચવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર ગેરરીતિ અંગે એક જાગૃત નાગરિકે પાટણ સરસ્વતી મામલતદારને જાણ કરતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

ફરિયાદના આધારે પાટણ સરસ્વતી મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો મળી આવતા અધિકારીઓએ પંચનામું કરી અનાજનો જથ્થો કબ્જે લીધો હતો.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે મોરપા ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મોઢાના કોળિયા સમાન અનાજનો મોટા પાયે કાળો કારોબાર કરવામાં આવી રહ્યો હતો. ગરીબોને મળવાનું અનાજ માફિયાઓના ખિસ્સામાં જઈ રહ્યું હોવાને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અંતે, મોરપા ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ અનાજના કાળા કારોબારમાં સંડોવાયેલા માફિયાઓ કાયદાની પકડમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ગરીબ અને પાત્ર લાભાર્થીઓને રેશનકાર્ડ મારફતે પૂરતા પ્રમાણમાં અનાજ મળે તે માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આવી ઘટનાઓ સરકારની યોજનાઓ પર પાણી ફેરવતી હોવાને કારણે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here