પાટણ:
પાટણ શહેરમાં જનતા હોસ્પિટલના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાથમિક વિગતો મુજબ સ્માઈલ દાંતના દવાખાનાના ડોક્ટર દ્વારા પોતાના સ્વાર્થ ખાતર આ વૃક્ષ કપાવવામાં આવ્યું હોવાની સ્થાનિકોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ગ કિનારે આવેલું વૃક્ષ દવાખાનાના બોર્ડને દેખાવમાં અડચણ રૂપ બનતું હોવાના કારણે તેને ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ઘટનાની જાણ સ્થાનિક દિનદયાળ મેડિકલ સ્ટોર્સના માલિક સરજુભાઈ પટેલ દ્વારા પાટણ નગરપાલિકાને કરવામાં આવી હતી.
ફરિયાદ મળતાની સાથે જ પાટણ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પાલિકાની ટીમ પહોંચતા જ સ્માઈલ દાંતના દવાખાનાના ડોક્ટર ઘટના સ્થળેથી ગાયબ થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે શંકા વધુ ઘેરી બની છે.
પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને ગેરકાયદેસર રીતે કપાયેલા વૃક્ષનું પંચનામું તૈયાર કર્યું હતું. ત્યારબાદ કપાયેલા વૃક્ષના લાકડાને સેવા હેતુસર હિન્દુ સ્મશાન ભૂમિ મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ગેરકાયદેસર વૃક્ષ કપાણ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
નગરપાલિકા તરફથી સ્માઈલ દાંતના દવાખાનાના ડોક્ટરને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વૃક્ષ કપાણ અંગેના નિયમો મુજબ દોષિત સામે દંડ અને કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ હોવા છતાં, હકીકતમાં કેટલી કડક કાર્યવાહી થશે તે મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે.
હવે શહેરવાસીઓની નજર પાટણ નગરપાલિકા પર મંડાઈ છે કે ગેરકાયદેસર રીતે વૃક્ષ કપાવનાર સામે કડક કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણના મુદ્દે પાલિકાની ભૂમિકા કેટલી અસરકારક સાબિત થાય છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.




