પાટણ, પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબના વોરંટ હેઠળ આશરે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને વાગડોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા રેન્જ, પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે વાગડોદ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ હાથ ધરી વાગડોદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૧૭૦૪૦૨૪૦૦૬૦/૨૦૨૪ મુજબ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૫, ૨૦૧, ૧૨૦(બી) અને ૧૧૪ મુજબના ગુનામાં ફરાર આરોપી ઠાકોર જકતાજી ચતુરજી માધુજી (રહે. કાનોસણ, તા. સરસ્વતી, જિ. પાટણ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં વાગડોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઇ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. બોડાણા, ASI દિગ્વિજયસિંહ શંકરસિંહ (બ.નં. ૨૧૨) તથા HC દિપકભાઇ હરગોવનભાઇ (બ.નં. ૨૭૬) જોડાયા હતા.




