જમાના પ્રમાણે વ્યસનો પણ બદલાયા છે ત્યારે કોઈ પણ પ્રકારનું વ્યસન પરિવાર અને રાષ્ટ્રને બરબાદી તરફ ધકેલે છે : ધારાસભ્ય ડો.કિરીટ પટેલ

પંથકની શાળા-કોલેજો સહિત એક લાખ લોકો સુધી આ વ્યસન મુકતી અભિયાન ને લઈ જવા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર કટિબદ્ધ : નિલમદીદી

પાટણ તા. 6
દેશભરમાં નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત બનાવવા માટે “ નશા મુક્ત યુવા-વિકસિત ભારત “ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગત તા.2 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આ અભિયાન શરૂ કરાવ્યું હતું અને દેશના દશ કરોડો યુવાનોને વ્યસન મુક્ત કરવા માટે આ અભિયાન ને સફળ બનાવવા બ્રહ્માકુમારી દ્વારા સંસ્થાના દેશભરમાં કાર્યરત વિવિધ સેવા કેન્દ્રો દ્વારા યુવાનોને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા લેવરાવવામાં આવનાર છે.
ગુરૂવારે સવારે પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા આ અભિયાનનો પ્રારંભ પાટણ ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં કરાવવામાં આવ્યો હતો.
સંસ્થાના ઊંઝા હાઇવે ઉપર આવેલ મુખ્ય સેવા કેન્દ્ર ખાતે આયોજિત કરવામાં આવેલ“ નશા મુક્ત યુવા-વિકસિત ભારત “ અભિયાનના પ્રારંભ પ્રસંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે સમયની સાથે સાથે વ્યસનો પણ બદલાયા છે.આપણો દેશ યુવાનોનો દેશ છે ત્યારે આજના યુવાનો વ્યસન મુક્ત બને તે માટે બ્રહ્માકુમારી સેવા સંસ્થા દ્વારા કરાતા પ્રયાસો ને તેઓએ પ્રશંશનિય લેખાવી યુવાનો વ્યસન મુક્ત બની પરિવાર અને રાષ્ટ્રને બરબાદી તરફ જતાં અટકાવવા તેઓએ હિમાયત કરી સૌને આ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈ વ્યસન મુકત બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે“ નશા મુક્ત યુવા-વિકસિત ભારત “ અભિયાન દ્વારા પાટણ પંથકની શાળા- કોલેજ સહિત એક લાખ લોકો સુધી આ વ્યસન મુક્તિ નો સંદેશ પહોચાડવા પાટણ બ્રહ્માકુમારી સેવા સંસ્થાન કટિબંધ હોવાનું સંસ્થાના પૂજ્ય નીલમ દીદી એ જણાવી અત્યાર સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં ચાર કરોડથી વધુ લોકોને બ્રહ્માકુમારી સેવા સંસ્થાન દ્વારા વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
સંસ્થા દ્વારા તા.6 ઓગસ્ટ થી તા.20 ઓગસ્ટ સુધી ચાલનારા આ નશા મુક્ત યુવા-વિકસિત ભારત “ અભિયાનના પ્રારંભ પ્રસંગે પાટણ થી પ્રસિદ્ધ થતાં સરહદ નો સાદ દૈનિકના માલિક રાજેશભાઈ સોની, પત્રકાર યશપાલ સ્વામી સહિત મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમનું સમગ્ર સંચાલન બ્રહ્માકુમારી નીતા દીદી અને નિધિદીદી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.




