‘પ્રત્યેક વર્ગ – એક નાની સંસદ’ના અનોખા અભિગમ સાથે વિદ્યાર્થીઓને મળી લોકશાહીની જીવંત તાલીમ

આદર્શ વર્ગના નિર્માણમાં દરેક વર્ગ પ્રતિનિધિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.– આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કર

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે શાળાના તમામ વર્ગોમાં લોકશાહી પદ્ધતિથી વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દ્વારા શાળાએ વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યોનો જીવંત અનુભવ કરાવવાનો અનોખો પ્રયાસ કર્યો.
ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના વર્ગ પ્રતિનિધિઓની પસંદગી માટે મતદાન કર્યું. સમગ્ર મતદાન પ્રક્રિયામાં લોકશાહીનું આદર્શ વાતાવરણ સર્જાયું હતું. શાળા સાચા અર્થમાં “પ્રત્યેક વર્ગ – એક નાની સંસદ” અને “માતૃશાળા – લોકશાહીની તાલીમશાળા” બની હોય તેવો અનુભવ સૌને થયો.

દરેક વર્ગમાં વિદ્યાર્થીઓએ જ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર તરીકે જવાબદારીઓ સંભાળી હતી. મતદારોની ઓળખની ચકાસણી, આંગળી પર શાહીનું નિશાન કરવું, બેલેટ પેપર આપવું, મતકુટિર સુધી માર્ગદર્શન આપવું તેમજ મતપેટીમાં મતપત્ર જમા કરાવવાની સમગ્ર પ્રક્રિયાનું સફળ સંચાલન વિદ્યાર્થીઓએ જાતે જ કર્યું. પરિણામે વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાનો વ્યવહારુ અને જીવંત અનુભવ પ્રાપ્ત થયો.

આ સમગ્ર પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાનથી આગળ વધારી ભારતની લોકશાહી ચૂંટણી પ્રણાલીને પ્રયોગાત્મક રીતે સમજાવવાનો હતો. સાથે જ, જવાબદાર અને જાગૃત નાગરિક તરીકેના ગુણો વિકસે તથા લોકશાહી પ્રત્યે વિશ્વાસ અને જવાબદારીની ભાવના મજબૂત બને તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો.
મતદાન પૂર્ણ થયા બાદ શાળાના મદદનીશ શિક્ષક ભાઈ શ્રી પાર્થભાઈ જોષીએ શાળામાં વર્ગ પ્રતિનિધિની શું જરૂર? તે બાબતે ખૂબ જ સુંદર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. ધનરાજભાઈ ઠક્કર દ્વારા ચૂંટાયેલા તમામ વર્ગ પ્રતિનિધિઓ સાથે વિશેષ બેઠક યોજવામાં આવી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે,
“એક વર્ગ પ્રતિનિધિ માત્ર ચૂંટાયેલો વિદ્યાર્થી નથી, પરંતુ પોતાના સમગ્ર વર્ગના વિકાસ, શિસ્ત, એકતા અને પ્રગતિ માટે જવાબદાર નેતા છે. નેતૃત્વ એટલે સેવા, જવાબદારી અને સૌને સાથે લઈને આગળ વધવાની ભાવના.”
વધુમાં તેમણે જણાવ્યું કે, “જ્યાં પ્રતિનિધિ નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક પોતાની ભૂમિકા ભજવે છે, ત્યાં સમગ્ર વર્ગ અને શાળા સતત પ્રગતિના પંથે આગળ વધે છે. આદર્શ વર્ગનું નિર્માણ સારા પ્રતિનિધિના સશક્ત નેતૃત્વથી જ શક્ય બને છે.”
આ વર્ગ પ્રતિનિધિની ચૂંટણીનું સફળ સંકલન, આયોજન અને માર્ગદર્શન શાળાના શિક્ષકો શ્રી અર્જુનસિંહ વાઘેલા, શ્રી રમેશભાઈ વાગડીયા, શ્રી નરેશભાઈ પટેલ અને શ્રીમતી અરુણાબેન પટેલ, શ્રીમતી અંકિતાબેન દરજી, આર. સી. પટેલ, વર્ષાબેન પટેલ, વિષ્ણુભાઈ પટેલ સહિત શિક્ષક મિત્રો દ્વારા અત્યંત સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું.
આ અનોખા આયોજન દ્વારા શેઠ એમ.એન. હાઈસ્કૂલે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો, નેતૃત્વ, જવાબદારી, શિસ્ત અને સક્રિય નાગરિકત્વના ગુણોના વિકાસ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયી પહેલ કરી છે, જે શિક્ષણને જીવન સાથે જોડવાનો સફળ પ્રયાસ સાબિત થયો છે.




