સમી પાસે ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં મોટો ઘટસ્ફોટ: આર્થિક સંકડામણમાં બાળકીનું વેચાણ થયું હોવાનું ખુલ્યું, ભિવંડીથી મહિલા ઝડપાઈ

પાટણ:
સમી પોલીસ સ્ટેશન વિસ્તારના કઠિવાડા ખાતે આવેલી બંધ જીનિંગ મિલની અવાવરુ જગ્યામાંથી ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ મળી આવેલી આશરે ૬ થી ૭ માસની બાળકીના ચકચારી કેસમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાથમિક તબક્કે બાળકીને ત્યજી દેનાર બે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી આ સમગ્ર મામલે બાળકીના ખરીદ-વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

પાટણ ડીવાયએસપી પરેશ રેણુકાના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ સમી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીને સારવાર અર્થે ધારપુર ખસેડી હતી. બાળકીના વાલીવારસની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ ચકાસતા પરેશભાઈ લગધીરભાઈ ઠાકોર અને રેખાબેન બાબુભાઈ વાલ્મિકી નામના બે ઈસમોની ઓળખ થઈ હતી અને તેમની અટકાયત કરવામાં આવી હતી.
નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન હાથ ધરાયેલી આકરી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, આ બંને આરોપીઓ બાળકીને સિકંદર અને મુસ્કાન નામના દંપતી પાસેથી લાવ્યા હતા.
બાતમીના આધારે પાટણ એલસીબી (LCB) ની ટીમે તાબડતોબ ભિવંડી પહોંચી મુસ્કાનને ઝડપી લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મુસ્કાન મૂળ માલેગાંવની રહેવાસી છે અને તેણે સિકંદર સાથે લગ્ન કર્યા બાદ લાંબા સમયથી અમદાવાદમાં રહેતી હતી, પરંતુ આ ઘટના બાદ તે ફરાર થઈ ગઈ હતી.
પૂછપરછમાં સામે આવ્યું છે કે દંપતી આર્થિક સંકડામણમાં હોવાથી તેમણે પૈસાની લાલચે આ બાળકીને અન્ય દંપતીને વેચી દીધી હતી. બાળકીના વાસ્તવિક માતા-પિતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ડીએનએ (DNA) સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી સિકંદરની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here