મસમોટી ગ્રાન્ટનો ખેલ : બાળકો ગાયબ છતાં લાખો રૂપિયાની ઉચાપતનો સનસનીખેજ આક્ષેપ
શંખેશ્વરના સુબાપુરા ગામમાં કૌભાંડીઓની મિલીભગતની ચર્ચા…

તપાસ અધિકારીઓની મિલીભગતના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભભૂક્યો રોષ
કામ કરો અથવા ખુરશી ખાલી કરો’ : 10 દિવસનું અલ્ટીમેટમ , નહીંતર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે ભયાનક ધરણાની ચીમકી!
દેશભરમાં ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પાટણ જિલ્લામાંથી એક એવો ચોંકાવનારો અને સનસનીખેજ મામલો સામે આવ્યો છે જેણે શિક્ષણ જગતના પાયા હલાવી દીધા છે! પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાં સરકારી યોજનાઓના નામે આચરવામાં આવેલા મહાકૌભાંડનો આક્ષેપ થયો છે.
સુબાપુરા ગામના સરપંચ અને સ્થાનિક આગેવાન વિપુલ ઠાકોરના જણાવ્યા અનુસાર, ગામમાં બાળકો માટેની સિઝનલ હોસ્ટેલ માત્ર અને માત્ર કાગળ પર જ ધમધમી રહી છે! વાસ્તવિકતામાં ત્યાં કોઈ હોસ્ટેલ કે બાળકો અસ્તિત્વમાં જ નથી, છતાં સરકાર દ્વારા બાળકો દીઠ ૨,૫૦૦ રૂપિયા લેખે કુલ ૨ લાખ ૬૮ હજાર રૂપિયાની મસમોટી ગ્રાન્ટ હડપ કરી જવામાં આવી છે.
સૌથી મોટો સવાલ એ છે કે આ મામલે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આંખમીંચામણા કરવામાં આવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માત્ર કાગળ પર તપાસનું નાટક કરી, દોષિત આચાર્યને બચાવવાના ખેલ પાડવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારી અધિકારીઓએ ગ્રાન્ટના નાણાં પણ હપ્તા પાડીને ગબડાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં ગ્રામજનોએ આક્રમક તેવર અપનાવતા ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી ૧૦ દિવસની અંદર કાયદેસરની અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે, તો ઉગ્ર આંદોલન છેડીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે જ ધરણા પર બેસી જવામાં આવશે.
હવે જોવાનું એ રહે છે કે આ સનસનીખેજ ખુલાસા બાદ પ્રશાસન ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી શું સચોટ પગલાં ભરે છે! પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સુબાપુરાના આ મામલાના તાર ક્યાં સુધી પહોંચે છે તે પર સૌની નજર ટકેલી છે……!




