પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગીતા બેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસી, પાટણ ખાતે તા. 25 સપ્ટેમ્બર, 2026ના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–ઉત્સાહભેર, સર્જનાત્મક અને જાગૃતિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ “સ્વસ્થ ભારત: એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામે સંઘર્ષ”ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓમાં ફાર્માસિસ્ટની જવાબદારી અને સમાજમાં એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ લાવતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવના માર્ગદર્શન હેઠળ તથા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશકુમાર પટેલ અને સમગ્ર સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને માત્ર ફાર્મસીના અભ્યાસ પૂરતા સીમિત ન રાખતાં તેમને જાહેર આરોગ્ય, દર્દી સલામતી અને દવાઓના જવાબદાર ઉપયોગ પ્રત્યે સંવેદનશીલ ફાર્માસિસ્ટ તરીકે તૈયાર કરવાનો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR), એન્ટિબાયોટિક્સનો યોગ્ય ઉપયોગ, તેના દુરુપયોગથી થતા જોખમો અને AMRની રોકથામ જેવા વિષયો પર સર્જનાત્મક અને માહિતીપ્રદ પોસ્ટરો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો કે એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી અથવા અયોગ્ય ઉપયોગ માત્ર આજની સારવારને નહીં, પરંતુ ભવિષ્યમાં દવાઓની અસરકારકતાને પણ પડકારરૂપ બનાવી શકે છે.
વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા “ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન મુજબ જ એન્ટિબાયોટિક્સ લો, જાતે દવા લેવાનું ટાળો અને એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ ન કરો” તેવો જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે AMR સામેની લડાઈ માત્ર ડૉક્ટર કે ફાર્માસિસ્ટની નહીં, પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે.
આ પ્રસંગે કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “ફાર્માસિસ્ટ આરોગ્ય વ્યવસ્થાની એક અત્યંત મહત્વપૂર્ણ કડી છે. આજના ફાર્મસી વિદ્યાર્થીઓ આવતીકાલના હેલ્થકેર પ્રોફેશનલ્સ છે. તેથી તેમને દવાઓના જ્ઞાનની સાથે દર્દી સલામતી, નૈતિક જવાબદારી અને જાહેર આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરવું એ સમયની જરૂરિયાત છે.”
વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં “Responsible Medicine Use, Patient Safety અને Public Health” પ્રત્યે જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રિન્સિપાલ ડૉ. પરેશકુમાર પટેલ, સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.




