પાટણ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઇવ હેઠળ ૨૬૦ સ્થળોએ મેગા દરોડા, ૧૧૦ ગુના દાખલ કરી ₹૧૬.૬૮ લાખથી વધુનો દેશી-વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પાટણ: પાટણ જિલ્લામાંથી પ્રોહીબીશનની ગેરકાયદે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના ઉદ્દેશ સાથે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક વ્યાપક અને આયોજનબદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન દરમિયાન સમગ્ર જિલ્લામાં ૨૬૦ જગ્યાઓ પર એકસાથે દરોડા પાડીને દેશી તેમજ વિદેશી દારૂ સહિત કુલ ₹૧૬,૬૮,૮૮૫/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા રેન્જ (પાલનપુર)ના પોલીસ મહાનિરીક્ષક (IGP) શ્રીમતી પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી વી. કે. નાયી દ્વારા જિલ્લામાં દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન કરાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી જયદીપસિંહ જી. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૨૫/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી સઘન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા માટે પાટણ એલ.સી.બી., એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) તેમજ જિલ્લાના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને જવાનોને સાંકળીને કુલ ૫૪ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ પાટણ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સપાટો બોલાવીને એકસાથે કુલ ૨૬૦ શંકાસ્પદ સ્થળો અને દારૂના અડ્ડાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા.

૬ કલાક સુધી ચાલેલી આ સઘન ડ્રાઇવ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશન ધારા હેઠળ કુલ ૧૧૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી દેશી તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી કુલ ₹૧૬,૬૮,૮૮૫/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કુલ ૨૧ જેટલા આરોપીઓની અટકાયત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

પાટણ જિલ્લા પોલીસની આ અચાનક અને આક્રમક કાર્યવાહીથી સમગ્ર પંથકના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here