વિક્રમ અને વેતાલની ૩૨ વાર્તાઓ પૈકીની અબોલા રાણીનો વેશનું ભવાઈ શૈલીમાં મંચન
૩૦ નાટ્ય કલાકારોને ૯૦ મિનિટની ભવાઇ તૈયાર કરવામાં 1 માસનો સમય લાગ્યો
પ્રાધ્યાપક ચન્દ્રવદન મહેતાએ યૂનેસ્કોમાં રંગભૂમિ દિન ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી વર્ષ ૧૯૯૧થી વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી ર૭ માર્ચના રોજ કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં ત્રિવેણી સંસ્થાના ઉપક્રમે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાધ્યાપક માર્કન્ડ ભટ્ટ સ્મૃતિ પર્વ – ૬ તેમજ વિશ્વ
રંગભૂમિ દિન સમારોહ અંતર્ગત વિક્રમોત્સવ ૨૦૨ર, ઉજ્જૈન દ્વારા આમંત્રિત કવિ શામળની પદ્યવાર્તા ઉપર આધારિત પ્રાધ્યાપક ચન્દ્રવદન મહેતા લિખિત અબોલા રાણીનો વેશની દોઢ કલાક સુધી ભવાઇ શૈલીમાં પ્રસ્તુતિ કરાઇ હતી.

ગુજરાતી સાહિત્યના પહેલા પદ્યવાર્તાકાર શ્યામલ ભટ્ટે રાજા વિક્રમાદિત્ય ઉપર પદ્યવાર્તા લખી હતી. જેની પ્રેરણા લઇને ચં.ચી. મહેતાએ નાટક લખ્યું હતું. જેની પ્રસ્તુતિ વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી હતી. આ પ્રસ્તુતીના માધ્યમથી અમે પ્રાધ્યાપક ચન્દ્રવદન મહેતા અને તેમના શિષ્ય અને માનસ પુત્ર પ્રાધ્યાપક માર્કન્ડ ભટ્ટને અંજલી આપી છે. વિક્રમ અને વેતાલની ૩૨ વાર્તાઓ પૈકીની એક વાર્તા એટલે અબોલા રાણી. ૩૦ નાટ્યકારોએ એક મહિનાની સખત મહેનતના અંતે ૯૦ મિનિટની ભવાઇ તૈયાર કરી હતી. અબોલા રાણીના વેશમાં અમે શિક્ષણ આપવાથી જીવનનો માર્ગ બદલાઇ જાય છે તે સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
ભવાઇના દિગ્દર્શક પી.એસ.ચારીએ કહ્યું હતું કે ઉજ્જૈન ખાતે તા. રપ થી ૩૧ માર્ચ સુધી વિશ્વ રંગભૂમિ દિન સમારોહ અંતર્ગત વિક્રમોત્સવ ૨૦૨૨નું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ભારતના ફક્ત ૭ દિગ્દર્શકોને તેમની પ્રસ્તુતિ કરવાનો અવસર આપવામાં આવે છે. ગુજરાતમાંથી આ વર્ષે ફક્ત ત્રિવેણી વડોદરાને ૨૭ માર્ચના રોજ અબોલા રાણીનો વેશ રજૂ કરવાનો અવસર મળ્યો હતો. વિક્રમોત્સવ ૨૦૨ર અંતર્ગત ઉડપી, ભોપાલ, કલકત્તા, પૂણે, ન્યૂ દિલ્હી અને મણિપુરના વિવિધ દિગ્દર્શકો એક – એક દિવસ તેમની પ્રસ્તુતિ કરશે
G



