સંતોના આશીર્વચનથી ગુંજ્યું મંદિર પરિસર…
પાટણ તા. 16
પાટણ શહેર સ્થિત જલારામ મંદિરે આધ્યાત્મિકતા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. ઠક્કર અમરતલાલ દલપતરાય પરિવાર તરફથી રાજુભાઈ ઠક્કર તથા તેમના પરિવારજનોના સૌજન્યથી 108 હનુમાન ચાલીસાના પાઠ સાથે હોમાત્મક મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી હનુમાનજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ પાવન પ્રસંગે કમીઝલાથી મહામંડલેશ્વર 1008 શ્રી જાનકીદાસ બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી આભાનંદ સરસ્વતીજી, પરમ પૂજ્ય સાધ્વી શ્રી રામપ્રિયા માતાજી (શ્રી રામકૃષ્ણ ગૌશાળા) તેમજ ચારુપથી બાળ સિકોતર માતાજીના ભુવાજી સુરેશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન આપ્યા હતા.
મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં અગ્નિદેવની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીન સમયથી આજ સુધી દરેક શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અગ્નિદેવની સાક્ષીમાં કરવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે.
તેમણે કહ્યું કે હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા છે અને સત્સંગ તથા કથાઓ દ્વારા મનુષ્ય જીવનને પવિત્ર અને બડભાગી બનાવવાનો માર્ગ મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તુલસીદાસજીએ પણ હનુમાનજીને “અતિશય બડભાગી” ગણાવ્યા છે અને આજના આ પાવન પ્રસંગે 108 હનુમાન ચાલીસાના પાઠ દ્વારા દરેક ભક્ત હનુમાનજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યો છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાભેર પાઠ, યજ્ઞ અને પૂજામાં ભાગ લઈ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. મંદિર પરિસર “જય શ્રી રામ” અને “બજરંગબલી કી જય” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.




