પાટણના ગિરધારીપાડામાં ‘હરિ-હર’નો અદભુત સમન્વય: સોમવતી અમાસે યોજાશે ભવ્ય અન્નકૂટ મનોરથ

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ પણ આ ‘હરિ-હર’ ઘર મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા.

પાટણ:
શહેરના ઐતિહાસિક અને ધાર્મિક વારસા અને સુવર્ણ પૃષ્ઠ સમાન ગિરધારીપાડામાં સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનું અતિ પ્રાચીન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં વિઠ્ઠલનાથજીની સાથે જ સ્વયંભૂ આંબેશ્વર મહાદેવનું મંદિર પણ બિરાજમાન છે, જે મુખ્ય મંદિર કરતાં પણ વધુ પુરાણું હોવાનું મનાય છે. સૃષ્ટિના પાલનહાર ‘હરિ’ (વિષ્ણુ) અને સંહારક ‘હર’ (શિવ)નો આવો દિવ્ય સમન્વય ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે.
વર્ષો પૂર્વે જ્યારે પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભવ્ય ભાગવત કથા પાટણની પવિત્ર ભૂમિ પર યોજાઈ હતી, ત્યારે આ ‘હરિ-હર’ના અદભુત મિલનથી પ્રભાવિત થઈને તેઓ ખાસ આ ઘર મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા. મહારાજશ્રીએ અહીં ભાવપૂર્વક પૂજન-અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી, જે આ સ્થાનના મહિમાની સાક્ષી પૂરે છે.
હાલમાં મંદિરના પૂજારી શ્રી અશેષભાઈ વ્યાસ અને તેમના પરિવાર દ્વારા પરંપરાગત રીતે ‘હરિ અને હર’ની શાસ્ત્રોક્ત વિધિથી સુંદર પૂજા-અર્ચના કરવામાં આવે છે. મંદિરમાં ઠાકોરજીને રીઝવવા માટે રોજબરોજ સુંદર અને મનમોહન મનોરથોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર બને છે.

આગામી સોમવતી અમાસે વિશેષ મહોત્સવ

આગામી પવિત્ર અધિક જેઠ વદ સોમવતી અમાસના પાવન અવસરે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિઠ્ઠલનાથજી સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે, તેમજ આંબેશ્વર મહાદેવજીના વિશેષ શૃંગાર દર્શન યોજાશે.
આ દિવ્ય દર્શનનો લાભ લેવા અને ‘હરિ-હર’ના દર્શને અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પધારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here