વિદ્યાર્થીઓને આધુનિક ડાક સેવાઓ સાથે વાઇ-ફાઇ, મિની લાઇબ્રેરી અને ડિજિટલ પેમેન્ટની સુવિધા આપતું ‘એન-જેન’ ડાકઘર શરૂ

પાટણ
પાટણ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં આધુનિક ડાક સેવાઓના નવા અધ્યાયની શરૂઆત કરતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે નવનવીનીકૃત ‘એન-જેન’ (નેક્સ્ટ-જેન) થીમ આધારિત ડાકઘરનું તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયા અને રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈના હસ્તે શિલાપટ્ટનું અનાવરણ અને રિબીન કાપીને આ ડાકઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતનું આ સાતમું અને પાટણનું પ્રથમ ‘એન-જેન’ ડાકઘર છે, જે યુવાનોને પરંપરાગત ડાક સેવાઓની સાથે આધુનિક ટેક્નોલોજી આધારિત સુવિધાઓ પણ પૂરી પાડશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના માર્ગદર્શન હેઠળ ડાક વિભાગ દ્વારા ડાકઘરોને યુવા-કેન્દ્રિત, ટેક્નોલોજી સક્ષમ અને આધુનિક સેવા કેન્દ્રો તરીકે વિકસાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. ‘એન-જેન’ ડાકઘર પરંપરાગત ડાક સેવાઓની વિશ્વસનીયતા અને વ્યાપક પહોંચને આધુનિક સુવિધાઓ સાથે જોડે છે. આ પહેલનો હેતુ ખાસ કરીને નવી પેઢીના યુવાનો અને વિદ્યાર્થીઓને ડાક વિભાગની સેવાઓ સાથે વધુ નજીકથી જોડવાનો છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એન-જેન’ ડાકઘરમાં વાઇ-ફાઇ, કાફેટેરિયા, મિની લાઇબ્રેરી, યુવાનોને અનુકૂળ આરામદાયક બેઠક વ્યવસ્થા તથા ઇન્ડોર ગેમ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર ૧૦ ટકા વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, ફિલેટલી, ડાકઘર બચત સેવાઓ, ડાક જીવન વીમા, આધાર સંબંધિત સેવાઓ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સહિતની વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ બનશે. યુનિવર્સિટી કેમ્પસમાં સ્થાપિત આ ડાકઘર આધુનિક ડિઝાઇન, આકર્ષક વાતાવરણ અને ડિજિટલ સુવિધાઓના સમન્વયથી વિદ્યાર્થીઓ માટે વધુ સુલભ અને સુવિધાજનક બનશે.
શ્રી યાદવે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરત, આણંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સહિત કુલ સાત ‘એન-જેન’ ડાકઘરો શરૂ કરવામાં આવ્યાં છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા વર્ષ ૧૯૮૬માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં ‘એન-જેન’ ડાકઘરની શરૂઆતથી ભારતીય ડાક વિભાગ અને શૈક્ષણિક સમુદાય વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. આધુનિક અને ટેક્નોલોજી આધારિત આ ડાકઘર વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની સુલભતા વધારવામાં ઉપયોગી સાબિત થશે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. આર. એન. દેસાઈએ જણાવ્યું હતું કે, ડાક વિભાગની સેવાઓ સાથે લોકોનો વર્ષો જૂનો વિશ્વાસ અને સંબંધ જોડાયેલો છે. યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ પરિષદો, સેમિનારો તથા શૈક્ષણિક કાર્યક્રમો યોજાતા હોય છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેવા આવતા પ્રતિનિધિઓ તેમજ વિદ્યાર્થીઓ અને સંશોધકોને શૈક્ષણિક સામગ્રી દેશ-વિદેશમાં મોકલવા માટે આ ડાકઘર અત્યંત ઉપયોગી બનશે.
પાટણ મંડળના ડાક અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને અન્ય લાભાર્થીઓને તેમની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ઝડપી, સુવિધાજનક, ટેક્નોલોજી આધારિત અને આધુનિક ડાક સેવાઓ પૂરી પાડવામાં આ ડાકઘર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે ‘એન-જેન’ ડાકઘરના નવીનીકરણ અને ડિઝાઇનમાં સહયોગ આપવા બદલ પ્રો. મયૂર કુમાર બી. પ્રજાપતિ, પ્રો. અભિ શાહ, પ્રો. ભાવિક પટેલ અને પ્રો. મનીષા શર્માને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પાટણ મંડળના ડાક અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામી, સહાયક નિયામક શ્રી વી. એમ. વહોરા, સહાયક અધિક્ષક શ્રી કે. બાલાસુબ્રમણ્યમ, ડાક નિરીક્ષક શ્રી શાહનવાઝ ઘાંચી, શ્રી નેહલ પટેલ, શ્રી જીતેન્દ્ર અડાલિયા, પોસ્ટમાસ્ટર શ્રી આર. એલ. પટેલ સહિત ડાક વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




