ઢોલકના તાલે ગવાતા ઐતિહાસિક ગરબા અને સેવાકાર્યની અનોખી મિસાલ

પાટણના ૮૦૦ વર્ષ જૂના અંબાજી મંદિરે ૮૧ વર્ષથી અકબંધ છે પ્રાચીન ગરબાની પરંપરા, ઢોલકના તાલે ગવાય છે ગરબા

ભક્તિ સાથે જીવદયા અને સેવાનો સંગમ: પાટણનું અંબાજી મંદિર ગરબાની આવક ગૌશાળા અને જરૂરિયાતમંદો પાછળ કરે છે અર્પણ
પાટણ:
પાટણ માં છીંડીયા દરવાજા નજીક આવેલ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષે નવરાત્રી દરમિયાન પ્રાચીન પદ્ધતિ મુજબ બહેનો દ્વારા ગરબા ગવાય પણ છે અને ગરબા રમાય પણ છે, આજે જ્યારે ક્લબો અને કોમર્શીયલ ગરબાનો ટ્રેન્ડ ચાલી રહ્યાં છે ત્યારે નવરાત્રીના દિવસોમાં માંના ભક્તિભાવ સાથે રમાતા ગરબાએ ભક્તિની પરંપરા ને આજેય જવંત રાખતી મિશાલ પાટણમાં જોવા મલી રહી છે.
પાટણ છીંડીયા દરવાજા નજીક આવેલ આશરે ૮૦0 વર્ષથી પણ વધુ પ્રાચીન અંબાજી મંદિર પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૮૧ વર્ષ જૂની પૌરાણિક ગરબા પરંપરા ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી છે. આસો સુદ એકમથી દશેરા સુધીના ૧૦ દિવસ દરમિયાન અહીં કોઈ પણ આધુનિક સાઉન્ડ સિસ્ટમ વગર માત્ર ઢોલકના તાલે ભાઈઓ અને બહેનો દ્વારા સાથે મળીને પ્રાચીન ગરબા ગવાય અને રમાય છે.
શ્રી અંબિકા માયી મંડળના પ્રમુખ ગણેશભાઈ ભાટીયા અને ઉપપ્રમુખ નીતાબેન પટેલના જણાવ્યા અનુસાર, મંડળના આશરે ૪૫ જેટલા સભ્યો સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવે આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. દરરોજ સવારે ૭:૩૦ વાગ્યે આરતી બાદ, સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ભજનો અને રાત્રે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. નવ દિવસ માતાજીની આરાધના અને દસમા દિવસે આનંદના ગરબા સાથે ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે.
ભક્તિ સાથે જીવદયા અને સેવાનો સંગમ
શ્રી અંબિકા માયી મંડળના પ્રમુખ ગણેશભાઈ ભાટીયાએ જણાવ્યુ હતુ કે શ્રી અંબિકામાયી મંડળ માત્ર ગરબા પૂરતું સીમિત ન રહેતાં સેવાભાવી સંસ્થા તરીકે પણ કાર્યરત છે. ગરબા દરમિયાન જે પણ ભેટ કે આર્થિક આવક થાય છે, તેનો ઉપયોગ કોઈ અંગત લાભ માટે નહીં પરંતુ ગૌશાળાના ઘાસચારા, શ્ર્વાનોને લાડું, પક્ષીઓને ચણ તથા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અને સારા કાર્યો પાછળ જ ખર્ચવામાં આવે છે. કોઈપણ ભેદભાવ વિના શ્રદ્ધાળુઓ અહીં ભક્તિ અને સેવામાં જોડાય છે.




