શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણમાં વાર્ષિકોત્સવ “સ્પંદન–2025” ભવ્ય રીતે ઉજવાયો

પાટણ સ્થિત શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ ખાતે તા. 20 ડિસેમ્બરે શાળાનો વાર્ષિકોત્સવ “સ્પંદન–2025” ભવ્ય અને રંગારંગ માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળના શ્રેષ્ઠિઓ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ, વાલીજનો, શિક્ષકમંડળ તેમજ સમારંભ અધ્યક્ષશ્રી દાનેશભાઈ શાહ, ડૉ. યશવંતભાઈ ઝવેરી, દાતા રાકેશભાઈ શાહ, ત્રિભુવનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ શાહ, દિનેશભાઈ શાહ, હિતેષભાઈ શાહ, જીગરભાઈ શાહ, દેવેશભાઈ શાહ, કિરણભાઈ પટેલ, નરેશભાઈ ચૌધરી સહિત આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ડૉ. બળદેવભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ અવસરે શાળાનું મુખપત્ર ‘સૌરભ’ તેમજ શાળાના કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

“સ્પંદન–2025” અંતર્ગત વિદ્યાર્થીઓએ રમતગમત અને સ્વાસ્થ્યના સંદેશ સાથે નૃત્ય, નાટક, દેશભક્તિ ગીતો, સમૂહ નૃત્ય તથા લોકનૃત્ય જેવી વિવિધ રંગારંગ રજૂઆતો કરીને પોતાની પ્રતિભાનો ઉમદા પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓની આકર્ષક રજૂઆતોને ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ઇનામ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળ દ્વારા શાળાના રિનોવેશન માટે વિચાર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાકેશભાઈ શાહ, ત્રિભુવનભાઈ પટેલ, ડૉ. યશવંતભાઈ ઝવેરી, મહેન્દ્રભાઈ શાહ અને તેજપાલભાઈ શાહ દ્વારા કુલ સવા કરોડ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત શૈક્ષણિક, રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પાટણ જૈન મંડળ દ્વારા અંદાજે રૂ. 1,50,000 ના પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં સતત પ્રગતિ કરવાની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે આભારવિધિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકમંડળ અને વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સહકાર આપ્યો હતો. વાર્ષિકોત્સવ “સ્પંદન–2025” સૌ માટે યાદગાર બની રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here