પાટણ: પાટણ શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ અને ચોરીના બનાવો અટકાવવા તેમજ વણઉકેલાયેલા કેસો શોધી કાઢવા માટે બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયી દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક (પાટણ વિભાગ) પરેશ રેણુકા તથા પાટણ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર કે. જે. ભોયેના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
પેટ્રોલિંગ દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર સેવંતીલાલ તથા આર્મ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાંગકુમાર ભરતભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઈસમ ચોરીના મુદ્દામાલ સાથે પસાર થઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગુમડા મસ્જિદ નજીક વોચ ગોઠવી એક શંકાસ્પદ ઈસમને અટકાવ્યો હતો. તેની તલાશી લેતાં પ્લાસ્ટિકની થેલીમાંથી જેઈન પ્લસ કંપનીના વાયરના ૬ બંડલ (કિંમત આશરે રૂ. ૮,૪૦૦/-) તથા પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ. ૧૩,૦૦૦/- મળી આવ્યા હતા.
વાયર અને રોકડ રકમ બાબતે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે ત્રણ દિવસ પહેલાં પાટણના રસણીયાવાડા સ્થિત આવેલી ‘હરસિદ્ધિ ઇલેક્ટ્રિક’ નામની બંધ દુકાનમાંથી આ વાયર અને રોકડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોકેટકોપ એપ દ્વારા ચકાસણી કરતાં આ અંગે પાટણ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ ગુનો (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૧૯૨૬૦૭૪૭/૨૦૨૬) નોંધાયેલો હોવાનું જણાયું હતું.
પોલીસે ચોરી કરનાર આરોપી રોશન સતીષકુમાર અમરતલાલ મોદી (રહે. રાજકાવાડો, કાલી બજાર રોડ, પાટણ) ની ધરપકડ કરી કુલ રૂ. ૨૧,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર કે. જે. ભોયે સાથે પોલીસ સબ ઇન્સપેક્ટર એ. એમ. ચૌધરી, પી.એસ.આઈ. કે. જે. કોડિયાતર, એ.એસ.આઈ. અલુભા દોલુભા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર દીનેશચંદ્ર, લાલુભા મોતીસંગ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ હેમરાજભાઈ અંબારામભાઈ, શૈલેષકુમાર શીવાભાઈ અને રમેશભાઈ અમરાભાઈ સહિતના સ્ટાફે સરાહનીય ફરજ બજાવી હતી.




