પાટણ.
પાટણના નગર દેવી કાલિકા માતાના સાનિધ્યમાં બિરાજમાન ૧૮ ભૂજા વાળી શ્રી ભદ્રકાળી માતાજીના ૯૦૨ બે વર્ષ પછી સૌ પ્રથમવાર પાટણના ભક્તજનો માટે રવિવારે સવારે ૭ થી રાત્રીના ૧૦ કલાક સુધી ના સમય દરમિયાન ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદીના સૌજન્યથી દશૅન ખુલ્લા મુકવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા માતા મંદિર ના પુજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે.


શ્રી કાલિકા માતા મંદિર પરિસર ખાતે બિરાજમાન ૧૮ ભુજા વાળા શ્રી ભદ્રકાળી માતાજીના ઈતિહાસ વિશે પુજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ઈ.સ. ૧૧૨૩ માં ગૂર્જર નરેશ સિધ્ધરાજ જયસિંહે બંધાવેલ પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં એમનું સૌમ્ય સ્વરૂપ એવા શ્રીભદ્રકાળી. માતાજી એમના સામિપ્યમાં જ બિરાજમાન છે. શ્રી ભદ્રકાળી માતાજીની પ્રતિમા એક અપ્રતિમ મૂર્તિશીલ્પ છે.
આ પ્રતિમાને અઢાર હાથ અષ્ટાદશ ભૂજાઓ કંડાર્યા હોઈ, અઢારેય હાથમાં શ્રી માતાજીએ વિવિધ પ્રકારના આયુધો( શસ્ત્ર-અસ્ત્ર) ધારણ કરેલા છે. સપ્તરાતી ( ચંકી પાઠ) નાં ” વૈકૃતિક રહસ્ય” માં શ્લોક નં. ૧૦,૧૧ તથા ૧૨માં અને “દેવી ભાગવત ” ના દશમા સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીમાતાજીએ ધારણ કરેલાં આયુધોનું ક્રમબધ્ધ સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ અક્ષમાળા, કમળ, બાણ, ખડગ, વ્રજ, ગદા,ચક્ર, ત્રિશુલ, ફરશી, શંખ,ઘંટ, પાશ, શક્તિ, દંડ, ઢાલ, ધનુષ, પાનપાત્ર અને કમંડલ શ્રીમાતાજીએ ધારણ કરેલાં છે.
શ્રીમાતાજી પદ્માસનસ્થ અર્થાત્ પદમાસન મુદ્દામાં ૧૨, ૧૬ તથા ૨૪ પાંદડીઓવાળા કમળ ઉપર બિરાજમાન છે.
શ્રી માતાજીએ પગમાં સરસ મજાની તોડીઓ, ધુંઘરીવાળા તોળા અને ઝુલ આકારનાં નૂપુર ધારણ કરેલાં છે. શ્રીમાતાજીના હાથમાં બાજુબંધ, ચપટાં કડાં, વિવિધ આકારના કંગન વિગેરે કંડારેલાં છે. ગળામાં પાન આકારની પાંદડીઓવાળી હાસડી, જવેલી આકારનો હાર અને અદ્દભૂત પેન્ડન્ટ સાથેનો ચિત્તાકર્ષક ત્રીજો હાર શ્રીમાતાજીએ ધારણ કર્યો છે.
સૌથી વધુ આકર્ષક કલાવિધાન. શ્રીમાતાજીના કટિબંધમાં (કેડ ઉપર) કં ડારેલા મેખલા – કંદોરાનું છે. પરંતુ આ સર્વ તક્ષણકલાવિધાન શ્રી માતાજીની દરરોજ થતી ફૂલોની આંગીના નવસર્જનને કારણે આ દ્રશ્યમાન નથી હોતું જે ૯૦૨ વર્ષ પછી આવતીકાલે રવિવારે માત્ર સવારનાં ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સંપૂર્ણ દર્શન શક્ય બની રહ્યા છે.
શ્રીમાતાજીનું પારલૌકિક હાસ્ય વેરતું મુખારવિંદ ગુપ્તકાલીન પ્રતિમાંઓના જેવું લંબગોળ સહેજ પાનના આકારનું છે. ગળાથી ઉપર અને ગાલની નીચેનો ભાગ નાજુક અને નમણી નારીને હોય એવો આબેહુબ દેખાય છે. શ્રીમાતાજીના કાન અને એને પહેરાવેલાં કુંડળ ગ્રીસ સંસ્કૃતિને મળતાં આવે છે. શ્રીભદ્રકાળી માતાજીનું આ સ્વરૂપ મહિષાસુરમર્દિનીનું સ્વરૂપ એટલા છે કે આ પ્રતિમાના નીચેના ભાગમાં શ્રીમાતાજીએ ખાસ સર્જિત કરેલો સૂંઢવાળો સિહ અને જમણી બાજુએ મહિષી (પાડો) કંડારેલો છે. વળી મહિષાસુરના મર્દન માટે અન્ય દેવતાઓએ જે વિવિધ આયુધો અર્પણ કર્યાં હતાં તે તમામ આયુધો શ્રીમાતાજીએ પોતાના અઢાર હાથમાં ધારણ કરેલાં છે.
આ મૂર્તિની શિલ્પકલાના બેનમુન સૌંદર્યની પરાકાષ્ટા તો એ છે કે શ્રીમાતાજીની પ્રતિમાને સાડી ન પહેરાવી હોય છતાંય વસ્ત્રનું આવરણ જે રીતે કંડારાયું છે, તે અદ્દભૂત અને અપ્રતિમ છે. આ પ્રતિમાનું સૌંદર્ય, તેની તેજોમય આભા, મુખારવિંદનું અપરંપાર તેજ, ત્રિભંગ વગેરે સામે ઊભેલા આરાધકને નયનાભિરામ અને દિવ્ય લાગે છે.
આ પ્રતિમાનું સંપૂર્ણ કલાવિધાન શાસ્ત્રીય રીતે નયનરમ્ય મનોહર દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે. ભારતમાંથી મળતી આવતી સર્વ મુર્તિઓ કરતાં આ સ્વરૂપ મા ભગવતીના દિવ્ય દેહુનો સાક્ષાત્કાર કરાવે તેવાં અલૌકિક અને અનૌપમ્ય તથા અનન્ય દિવ્ય સ્વરૂપના દર્શનનો અલભ્ય લાભ માત્ર ને માત્ર રવિવારે સવારના ૭.૦૦ વાગ્યાથી રાતના ૧૦-૦૦ વાગ્યા સુધી જ નિરધાર્યા હોવાનું શ્રી કાલીકા માતાજી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે.




