પાટણ: બનાસકાંઠા રેન્જ આઈજીપી પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લા તેમજ બહારના જિલ્લાઓમાં નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા ૭ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પાટણની ટીમે અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે।
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી વોચમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે, સાબરમતી પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) હેઠળ નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો વોન્ટેડ આરોપી અનિલગીરી સુરેશગીરી ગૌસ્વામી (મૂળ રહે. વસાઇ, તા. વિજાપુર, જિ. મહેસાણા; હાલ રહે. મુખીયા ટોલ નાકા પાસે, નરોડા, અમદાવાદ) પાટણ ખાતે સુજનીપુર જેલની બહાર ઊભો છે।
બાતમી મળતાં જ એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી આરોપી અનિલગીરી ગૌસ્વામીને કોર્ડન કરી ઝડપી લીધો હતો। પોલીસે તેની બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની તપાસ અર્થે તેને સાબરમતી પોલીસ સ્ટેશન, અમદાવાદને સોંપવાની તજવીજ હાથ ધરી છે।
આ સફળ કામગીરીમાં પી.આઈ. જે. જી. સોલંકી, પીએસઆઈ ડી. કે. ચૌધરી, પીએસઆઈ એ. પી. ઠાકોર તથા સ્ટાફના શૈલેષકુમાર, પ્રવિણદાન, જયમિનભાઇ, દિનેશભાઇ, હેતુભા તેમજ ભરતજી સહિતના કર્મચારીઓ જોડાયા હતા।




