પાટણમાં વિદ્યાર્થીઓ માટે રાહતદરે સ્ટેનોગ્રાફીનો છ માસીક કોર્સ શરૂ કરાયો…

પાટણ તા. 14
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓને રોજગારીલક્ષી તાલીમ મળી રહે અને તેઓ સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી ગંગાબા રોજગાર કેન્દ્ર અંતર્ગત રાહતદરે સ્ટેનોગ્રાફી (ગુજરાતી/અંગ્રેજી)નો છ માસીય કોર્સ શરૂ કરવામાં આવેલ છે. આ કોર્સનું આયોજન નીરજ સેવા ટ્રસ્ટ, પાટણના સૌજન્યથી કરવામાં આવ્યું છે.
આ કોર્સમાં ઉત્તર ગુજરાતના સૌથી વધુ અનુભવી શિક્ષકોમાં સ્થાન ધરાવતા બકુલેશભાઈ શાહ (શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ, પાટણ)ના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવે છે.
તા. 30/09/2026થી 30/03/2027 સુધી દરરોજ સવારે 8:00 થી 9:00 કલાકના સમયે શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલય, આસ્થા હોલ, કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં, ભદ્ર, પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેનોગ્રાફીની તાલીમ મેળવીને વિદ્યાર્થીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારી મેળવવા માટે પોતાની ક્ષમતા વિકસાવી શકશે તેવું પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા, નિરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કે. સી. પટેલ અને ચંદ્રિકા ત્રિવેદી એ જણાવ્યું હતું.




