રોટરી ક્લબ પાટણની અનોખી પહેલ: રેગપિકર્સ પરિવારો સાથે રેન્જ આઈજી પરિક્ષિતા રાઠોડે ગરબે ઘૂમી નવરાત્રીની ખુશીઓ વહેંચી

બી.કે. પાર્ટી પ્લોટ ખાતે રેગપિકર્સ પરિવારો માટે ગરબા મહોત્સવ, લહાણી વિતરણ અને ભોજનનું આયોજન…

પાટણ: નવરાત્રીના પાવન પર્વની ઉજવણી સમાજના દરેક વર્ગ સાથે કરી શકાય અને દરેક વ્યક્તિને સન્માનપૂર્વક ઉત્સવમાં સહભાગી બનવાનો અવસર મળે તેવા ઉમદા હેતુથી રોટરી ક્લબ પાટણ દ્વારા એક અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી હતી. શહેરમાં કચરો અને પ્લાસ્ટિક વીણીને આજીવિકા મેળવતા રેગપિકર્સ પરિવારો માટે બી.કે. પાર્ટી પ્લોટ ખાતે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રેન્જના આઈજી શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રેગપિકર્સ પરિવારો સાથે ગરબા રમીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન રેગપિકર્સ પરિવારો સાથે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સાથે જ પરિવારોને લહાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના માટે સ્નેહભર્યા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સામાજિક સમાનતા, માનવતા અને સહભાગિતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે આઈજી શ્રી પરિક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગને સન્માનપૂર્વક ઉત્સવો ઉજવવાનો અધિકાર છે. શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા રેગપિકર્સ પરિવારો અને શ્રમયોગી બહેનો સાથે નવરાત્રીની ઉજવણી કરવાનો આ વિચાર તેમના માટે પણ એક નવો અને વિશિષ્ટ અનુભવ છે. શક્તિના મહાપર્વ નવરાત્રીમાં સમાજના વિવિધ વર્ગના લોકો કોઈપણ ઊંચનીચના ભેદભાવ વિના એકસાથે માતાજીની આરાધના કરે અને ઉત્સવની ખુશીઓ વહેંચે તે આનંદની વાત છે.

કાર્યક્રમ અંગે માહિતી આપતાં પ્રોજેક્ટ ચેરમેન ડૉ. બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ વર્ષોથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ આજના કાર્યક્રમનો હેતુ માત્ર સેવા કરવાનો નહીં, પરંતુ સમાજના એવા પરિવારો સાથે આત્મીયતાનો સંબંધ બાંધવાનો છે, જેમનું યોગદાન ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાંથી પ્લાસ્ટિક સહિતનો રિસાયકલ થઈ શકે તેવો કચરો એકત્રિત કરીને આ પરિવારો પર્યાવરણની જાળવણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્લાસ્ટિક કચરો યોગ્ય રીતે એકત્રિત થવાથી તે લાંબા સમય સુધી જમીન અને પર્યાવરણમાં ફેલાયેલો રહે તે અટકાવવામાં મદદ મળે છે. આ પરિવારોની મહેનત અને પર્યાવરણ પ્રત્યેના તેમના યોગદાનને બિરદાવવા તથા તેમને સમાજમાં સન્માન અને આત્મીયતાનો અનુભવ કરાવવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈજી શ્રી પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિએ પણ આ પરિવારોનો ઉત્સાહ વધાર્યો હતો.

રોટરી ક્લબ પાટણના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સોની, મંત્રી શ્રી સતીશ ઠક્કર, શ્રી ઘેમરભાઈ દેસાઈ સહિત રોટરી ટીમના સભ્યોએ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજના ડીનના પરિવાર દ્વારા આઈજી શ્રી પરિક્ષિતા રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી શ્રી પરેશ રેણુકા સાહેબ સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી લહાણી વિતરણમાં સહભાગી બની પરિવારોને પ્રોત્સાહિત કર્યા હતા.

રોટરી ક્લબ પાટણની આ પહેલે નવરાત્રીના ઉત્સવને માત્ર ગરબા પૂરતો મર્યાદિત ન રાખતાં સામાજિક સમરસતા, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને માનવતાની ભાવનાને ઉજાગર કરી હતી. સમાજના દરેક વર્ગને સાથે લઈને ખુશીઓ વહેંચવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here