બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો સ્વ. મુકુંદભાઈ પટેલ તથા સ્વ. હિરાભાઈ પટેલની સ્મૃતિમાં યોજાયું વ્યાખ્યાન

“કોઈપણ બાળક ગણિતમાં પાછળ નથી; સમજાવવાની રીત બદલાય ત્યારે પરિણામ પણ બદલાઈ જાય છે.” – ડૉ. ચંદ્રમૌલી જોષી

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત, શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણની શિક્ષણ-સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી પરંપરા અંતર્ગત પાટણના બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો સ્વ. મુકુંદભાઈ પટેલ અને સ્વ. હિરાભાઈ પટેલની સ્મૃતિમાં વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબના રાષ્ટ્રિય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. ચંદ્રમૌલી જોશી ખાસ પાટણ પધાર્યા.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે મહેમાન ડૉ. ચંદ્રમૌલી જોષી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગજેન્દ્રભાઈ રાવલનું શાબ્દિક સ્વાગત કરી તેમની કારકિર્દીનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો.
ત્યારબાદ ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક, ખેસ અને મોમેન્ટો દ્વારા મહેમાનોનું માન-સન્માન કરવામાં આવ્યું.
શેઠ એમ. એન. હાઇસ્કુલના ઉત્સાહી આચાર્યશ્રી ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રામાનુજન મેથ્સ કલબની સ્થાપના, તેની પ્રવૃત્તિઓ અને દેશ-વિદેશમાં ગણિત પ્રત્યે જાગૃતિ લાવવામાં કરેલા મહત્ત્વના યોગદાનની વિસ્તૃત સમજ આપી.
ડૉ. જોશીએ સ્વ. મુકુંદભાઈ અને સ્વ. હિરાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે, — “પાટણ જિલ્લો ગણિતનું મોસાળ છે; અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગણિતને એક ઉત્સવ તરીકે જીવે છે.”
શેઠ એમ. એન. હાઈ સ્કુલના વિદ્યાર્થીઓ માટે “ગણિત એટલે તો મજાજ મજા” — વિષય ઉપર વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરતું બે કલાકનું જીવંત વ્યાખ્યાન ડૉ. ચંદ્રમૌલી જોશી દ્વારા યોજાયું.
ડૉ. ચંદ્રમૌલી જોશીએ પોતાની અનોખી શૈલીમાં ગણિતની રમૂજી પદ્ધતિઓ, રસપ્રદ ઉદાહરણો અને જીવંત પ્રયોગોથી રજૂ કર્યું.
બે કલાક ચાલેલા આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓ માત્ર શ્રોતાઓ ન રહ્યા, પરંતુ ઉત્સાહપૂર્વક ચર્ચામાં જોડાયા, વિચાર્યા અને પોતાની અંદરની ગણિત પ્રતિભા શોધવા પ્રેરાયા.
તેમણે સમાંતર શ્રેણી, જાદુઈ ચોરસ જેવી ગણિતીય રીતોને રમૂજી ઉદાહરણો, ઝડપી ગણતરીની તકનીકો, સરળ ભાષા અને પ્રયોગ આધારિત સમજાવટ દ્વારા એવી રીતે રજૂ કરી કે ગણિત વિષય વિદ્યાર્થી માટે એક વિષય નહીં પરંતુ આનંદમાં ડૂબી જવાની કળા બની ગયું.
ડૉ. જોશીએ દરેક વર્ગના— હોશિયાર, મધ્યમ અને સ્લો લર્નર—વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે, “કોઈપણ બાળક ગણિતમાં પાછળ નથી; સમજાવવાની રીત બદલાય ત્યારે પરિણામ પણ બદલાઈ જાય છે.” ડૉ. ચંદ્રમૌલી જોશીએ ખીજડીયા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં મેળવેલા ગોલ્ડ મેડલ તથા બાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતનો પ્રસંગ વિગતો સાથે રજૂ કરતા વિધાર્થીઓ દ્વારા ટાળીઓના ગડગડાટ ગૂંજી ઊઠ્યો.
આ ઘટનાએ હાજર વિદ્યાર્થીઓમાં ગામડાની શાળાઓ પણ વૈશ્વિક મંચે તેજસ્વી બની શકે છે એવો મજબૂત સંદેશ પહોંચાડ્યો.
કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન ડૉ. અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આભારવિધિ સુપરવાઈઝર કપૂરજી ઠાકોર દ્વારા વ્યક્ત કરવામાં આવી, જેમાં તેમણે ડૉ. જોશીનો પાટણ માટેનો કિંમતી સમય, સેવાનો ભાવ અને પ્રેરણાદાયક જ્ઞાનયજ્ઞ બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો.
શેઠ એમ.એન. હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ વિશિષ્ટ વ્યાખ્યાને વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે નવી દૃષ્ટિ, નવી ઊર્જા અને નવી પ્રેરણા ભરી દીધી. આ દિવસ શાળાની શૈક્ષણિક સફરના યાદગાર અધ્યાય તરીકે નોંધાયો.



