વિજેતા સ્પર્ધકો હવે જિલ્લા કક્ષાએ પાટણ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે; શાળા પરિવારે પાઠવ્યા અભિનંદન

પાટણ: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત તાલુકા કક્ષાના ‘કલા મહાકુંભ-૨૦૨૬’માં પાટણની શેઠ શ્રી એન. જી. પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તેમજ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના સ્પર્ધકોએ લોકનૃત્યમાં પ્રથમ અને ગરબામાં દ્વિતીય સ્થાન મેળવી બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.
રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કળાઓ બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કલા મહાકુંભમાં એન. જી. પટેલ પ્રાથમિક શાળાના ૬ થી ૧૪ વર્ષના વયજૂથના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય, ગરબા, ભજન તેમજ ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં લોકનૃત્ય સમૂહ સ્પર્ધામાં શાળાની ટીમે પ્રથમ ક્રમાંક અને રાસ-ગરબા સમૂહમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આ તમામ વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં પાટણ તાલુકા વતી પ્રતિનિધિત્વ કરશે.
વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતા બદલ શાળા મંડળના પ્રમુખશ્રી ડૉ. જે. કે. પટેલ, ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રી મનસુખભાઈ પટેલ, સહમંત્રીશ્રી અશોકભાઈ પટેલ, ખજાનચીશ્રી મહેન્દ્રભાઈ વી. પટેલ, વહીવટી અધિકારીશ્રી દિનેશભાઈ પટેલ તેમજ આચાર્યશ્રી વસંતભાઈ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન અને તાલીમ આપનાર શિક્ષિકા કિંજલબેન પટેલ અને રંજનબેન પટેલની કામગીરીને પણ બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.




