પાટણ: બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લાના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તા. ૦૭/૧૦/૨૦૨૬ થી ૨૭/૧૦/૨૦૨૬ દરમિયાન વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસમાં હતો.
તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બાલીસણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુના રજિસ્ટર નંબર ૧૧૨૧૭૦૦૪૨૬૦૧૬૪/૨૦૨૬ (પ્રોહી કલમ ૬૫, એ.ઇ, ૧૧૬ બી વિ. મુજબ) માં નાસતા-ફરતા આરોપી રોહીતજી હરેશજી ઠાકોર (રહે. ભાન્ડુ, તા. વિસનગર, જિ. મહેસાણા) પાટણ-ઊંઝા હાઈવે પર આવેલી વિસલવાસણા ચોકડી પાસે હાજર હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રોહીતજી ઠાકોરને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીની બી.એન.એસ.એસ. (BNSS) કલમ-૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તેને બાલીસણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પાટણ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પો.સ.ઇ. ડી.કે. ચૌધરી, પો.સ.ઇ. એ.પી. ઠાકોર, એ.એસ.આઇ. બળદેવસિંહ પ્રવિણજી તથા અ.પો.કો. રંભાજી બાલાજી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.




