પાટણમાં ‘આપ’ દ્રારા બોટાદ ખેડૂત આંદોલન વિરોધમાં કાળી પટ્ટી સાથે ‘કાળો દિવસ’ ઉજવતા પોલીસે અટકાયત કરી..

પાટણ તા. ૧૩
આમ આદમી પાર્ટી (આપ) દ્વારા સોમવારે પાટણ શહેરમાં બોટાદના ખેડૂત આંદોલનને કચડી નાખવાના કથિત પ્રયાસના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાર્ટીના હોદ્દેદારો એ હાથ પર કાળી પટ્ટી બાંધીને આ દિવસને ‘કાળો દિવસ’ તરીકે ઉજવ્યો હતો, જે દરમિયાન પાટણ પોલીસે અનેક હોદ્દેદારોને ડિટેઇન કર્યા હતા.આ વિરોધ બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા પોતાના હકો માટે ચલાવવામાં આવી રહેલી લડાઈના સમર્થનમાં કરવામાં આવ્યો હતો.


આપ દ્વારા બોટાદમાં પ્રદેશ નેતા રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આપનો આરોપ છે કે ભાજપ સરકારે આ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
આપના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, હડદડ ગામમાં ચાલી રહેલી શાંતિપૂર્ણ સભા દરમિયાન ભાજપના ઈશારે પોલીસે ચારે બાજુથી ઘેરાવો કરીને ખેડૂતોના આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રયાસમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગામના લોકો અને ખેડૂતોને ઘરમાંથી કાઢીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાના વિરોધરૂપે, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.વિરોધ પ્રદર્શન દરમિયાન પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા આપના આગેવાનો અને કાયૅકરો ની અટકાયત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here