પદ્મવાડી મા માટીના ઢગલા સ્વરૂપે પુજાતા ભગવાન પદ્મનાભજી સહિતના દેવી – દેવતાઓના કયારા ની રચના નિહાળી પરિવાર અભિભૂત બન્યો..
પાટણ તા. ૧૫
પાટણ પ્રજાપતિ સમાજના આસ્થાના પ્રતીક સમા અને પાટણની પદ્મ વાડીમાં બિરાજમાન નિરંજન નિરાકરણ સ્વરૂપે પૂજનીય ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં રવિવારે ગુજરાતી ફિલ્મ ના સુપરસ્ટાર હિતુભાઈ કનોડિયા અને તેમના ધર્મપત્ની મોનાબેન કનોડિયા એ પરિવાર સાથે પધારી ભગવાન પદ્મનાભજી ની પુજા- અર્ચના કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિતના ભક્તોએ હિતુભાઈ કનોડીયા અને મોનાબેન કનોડિયા સહિત તેમના પરિવારજનોનું શાબ્દિક સ્વાગત કરી ભગવાનની પ્રસાદ રૂપે રેવડી અને શાલ થી સન્માન કરી આવકાર્યા હતાં.
શ્રી પદ્મ વાડીમાં બિરાજમાન નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજી સહિત ૩૩ કોટી દેવી દેવતાઓ, ૮૮ હજાર ઋષિમુનિઓ અને ૫૬ કોટી યાદવોના માટીના ઢગલા સ્વરૂપે પુજાતા ક્યારાઓ સહિત પદ્મનાભ ભગવાન ના સપ્ત રાત્રી રેવડીયા મેળા, પંચકુટી દાળ- રોટી અને ગોળ ધી ના ગળિયા ના પ્રસાદ સહિત મંદિર ખાતે ઉજવાતા ધાર્મિક ઉત્સવોની જાણકારી પ્રાપ્ત કરી હિતુભાઈ કનોડિયા અને તેમનો પરિવાર આ વાડી ની અલૌકિક રચના થી અભિભૂત બન્યો હતો.
આ પ્રસંગે પાટણના જાણીતા સેવાભાવી નવયુવાન અને હિતુભાઈ કનોડિયા સાથે પરિવારનો નાતો ધરાવતા મિલનભાઈ ભાટિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




