ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે મિશન લાઈફ અંતર્ગત આજે તારીખ ૧૪ જૂન ૨૦૨૬ ના રોજ ક્લાઈમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) વિશે લોકજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિશન લાઇફ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દૂરદર્શી પહેલ છે, જે પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારી અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપતું એક જનઆંદોલન છે.
આજ ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુલાકાતે આવેલ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ ભાગ લઈ આબોહવા પરિવર્તનના કારણો, તેની અસરો તેમજ તેના નિવારણ માટે ના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત ગાઈડ દ્વારા ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ગેસની વધતી અસર, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, વધતું તાપમાન અને પર્યાવરણ પર પડતી અસરો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા, વૃક્ષારોપણ કરવા, પાણી અને ઊર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન આજે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે અને તેના પડકારોનો સામનો કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને પર્યાવરણ સંરક્ષણ માટે યોગદાન આપવું જરૂરી છે.




