
ગુરુદક્ષિણા રૂપે આપો સત્ય અને વ્યસનમુક્ત જીવન – આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરની અનોખી અપીલ…


ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને આદર્શ શિક્ષકને સન્માનિત કરવામાં આવ્યા…

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અદ્વિતીય માનવામાં આવે છે. એવા પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં ભારત વિકાસ પરિષદના સહયોગથી “ગુરુ વંદન – છાત્ર અભિનંદન” કાર્યક્રમ ઉજવવામા આવ્યો હતો
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના કલા વૃંદ દ્વારા ખુબજ સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી. ત્યારબાદ દિવ્ય દીપ પ્રાગટ્ય વીણાવાદ્ય સાથે થયું. ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વિદ્યાર્થિનીઓ દ્વારા કુમકુમ તિલકથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને “વંદે માતરમ”ના ભવ્ય ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું.
આ અવસરે શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે શ્રદ્ધાસ્પદ સ્વાગત પ્રવચન આપ્યું અને વિદ્યાર્થીઓને સંબોધતાં ગુરુદક્ષિણાની નવી વ્યાખ્યા આપતાં કહ્યું કે, “વિદ્યાર્થીઓ સત્ય બોલે, જીવનભર વ્યસનથી દુર રહે – એ જ ગુરુ માટે સાચી દક્ષિણા છે.” આ અંતરથી ઉચ્ચારેલી અપીલ બધાએ હાથ ઊંચા કરી સ્વીકારી લીધી.
કાર્યક્રમ દરમિયાન ભારત વિકાસ પરિષદના સહમંત્રી શ્રી લાધુભાઈ રથવીએ સંસ્થાની રાષ્ટ્રીયકક્ષાની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી, તેમજ સંસ્કાર પ્રકલ્પના સંયોજક શ્રી કમલેશભાઈ સ્વામીએ મૂલ્યો આધારિત જીવંત બૌદ્ધિક રજૂ કર્યું.
શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને આદર્શ શિક્ષક ભાઈ અલ્પેશભાઈ પટેલને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યા, વિવેક અને સંસ્કારને ઉજાગર કરતી આ માન્યતાએ વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા ભરી.
પરિષદના ખજાનચી શ્રી નારણભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ‘ગુરુના આદર, સત્યવાદિતા અને વ્યસનમુક્તિ’ અંગે શપથ લેવડાવવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં શિસ્ત, ભક્તિભાવ અને સંસ્કારની ગંગા વહેતી જણાઈ.
કાર્યક્રમના અંતે ભારતીય સંસ્કૃતિના આધારે તમામ વિદ્યાર્થીઓએ શાળાના તમામ શિક્ષકગણને પગે લાગી તેમના આશીર્વાદ લીધા તેમજ ગુલાબની પાંદડીઓથી તેમનો સન્માનપૂર્વક આભાર માન્યો. અંતે મોંમીઠું કરીને સૌ સંસ્કારમય ભાવના સાથે વિદાય પામ્યા.
કાર્યક્રમના અંતે નરેન્દ્રભાઈ પ્રજાપતીએ હૃદયથી આભાર વિધિ નિભાવી અને શુભકામનાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમ શાળાના સંસ્કારમય વાતાવરણ અને શિક્ષણપ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાનું દર્પણ બની રહ્યો.




