શેઠ એમ. એન. હાઇસ્કુલ, પાટણનો વિધાર્થી પટેલ જોર્ક ઝોન કક્ષાએ કલા ઉત્સવમાં પ્રથમ

પટેલ જોર્ક ની સ્વર વાદ્ય સંગીત વાદન (હાર્મોનિયમ) સ્પર્ધા માટે રાજ્ય કક્ષાએ જવા માટે પસંદગી
વિદ્યાર્થીઓની અંદર રહેલી કલાત્મક ક્ષમતાઓને ઉજાગર કરવા તથા તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે હેતુસર NCERT, ન્યૂ દિલ્હી દ્વારા દર વર્ષે “કલા ઉત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. વર્ષ 2025-26 ના ઝોન કક્ષાના આ કલા ઉત્સવનું આયોજન શ્રીજી બુટલા સર્વોદય હાઇસ્કૂલ, મોડાસા ખાતે થયું હતું.
આ કલાઉત્સવમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઇસ્કૂલ, પાટણના પ્રતિભાશાળી વિદ્યાર્થી પટેલ જોર્ક વિકાસ કુમારે પોતાની કલા કૌશલ્યની અનોખી ઝલક પ્રદર્શિત કરી સૌનું મન મોહી લીધું.
સ્વર વાદ્ય સંગીત વાદન (હાર્મોનિયમ) વિષયક સ્પર્ધામાં તેણે શરૂઆતમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ઝોન સ્તર સુધીનો પ્રભાવશાળી પ્રવાસ પૂર્ણ કર્યો.
મોડાસા ખાતે યોજાયેલી ઝોન કક્ષાની ફાઈનલ સ્પર્ધામાં પણ જોર્ક વિકાસે પોતાના સંગીતના સૂરોથી સૌને મંત્રમુગ્ધ કરી ફરી એકવાર પ્રથમ ક્રમ પોતાના નામે કર્યો છે. હવે તે રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે, જે શાળા માટે ગૌરવની ક્ષણ છે.
આ જીત પાછળના માર્ગદર્શક શિક્ષકો વિપુલભાઈ પટેલ તથા મુકેશભાઈ પટેલનું માર્ગદર્શન અને પ્રેરણાદાયી સહયોગ નોંધપાત્ર રહ્યો છે.
સમગ્ર શાળા પરિવાર, મેનેજમેન્ટ તથા આચાર્યશ્રી ડૉ. ધનરાજ ભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થી જોર્ક વિકાસ કુમાર અને તેમના માર્ગદર્શકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
શાળા પરિવાર વિશ્વાસ વ્યક્ત કરે છે કે, પટેલ જોર્ક વિકાસ કુમાર રાજ્ય સ્તરે પણ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શેઠ એમ.એન. હાઇસ્કૂલનું નામ ગૌરવભેર ઉજ્જવળ કરશે.
તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ…




