

પાટણ:
પાટણ દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના આયોજને તાજેતરમાં તૃતીય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો કરતાં વધુ કાર્યકરો તથા વરિષ્ઠ નાગરિકોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને નરેન્દ્ર ભગવાનગીરી, જેઓ સમૂહ લગ્ન જેવી સમાજસેવા પ્રવૃત્તિઓમાં લાંબા સમયથી સક્રિય રીતે જોડાયેલા છે, તેમની નિષ્ઠા અને અવિરત સેવાભાવનાને ઉપસ્થિતોએ બિરદાવ્યા હતા. ઉંમર વધવા છતાં પણ તેઓ સમાજને આર્થિક, સામાજિક તથા સમયદાન દ્વારા સતત લાભ પહોંચાડી રહ્યા છે, જે સૌ માટે પ્રેરણારૂપ હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે પણ સમાજ માટે સમય કાઢવો એ મોટી વાત છે અને દરેકે પોતપોતાના જીવનમાં સમયદાન અંગે વિચારવું જરૂરી છે. સાથે જ માતા-પિતાને સંદેશ આપવામાં આવ્યો હતો કે બાળકોને અતિશય મોબાઇલ ઉપયોગથી દૂર રાખી, તેમની યોગ્ય સંભાળ અને માર્ગદર્શન આપવું આજના સમયમાં અત્યંત જરૂરી બન્યું છે.


આ પ્રસંગે પાટણ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજના વિવિધ પ્રોજેક્ટોની પણ માહિતી આપવામાં આવી હતી. સમાજના પ્રમુખ વિષ્ણુપુરીએ જણાવ્યું હતું કે સાંતલપુર તેમજ આજુબાજુના તાલુકાઓના સેવાડાના ગામોના વિદ્યાર્થીઓ પાટણમાં રહી અભ્યાસ કરી શકે તે માટે સમાજ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. સમાજનો એક નાગરિક બીજા નાગરિકનો હાથ પકડે અને આગળ વધે તે ભાવનાથી આ કાર્યક્રમ યોજાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિક હોવાથી આજે તેમનું સન્માન કરવાથી સમાજ પ્રત્યે તેમનો રસ વધશે અને તેઓ પણ ભવિષ્યમાં સેવા કાર્યમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અંતમાં સમાજના ભવન તથા અન્ય વિકાસપ્રોજેક્ટો સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે ભોળાનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમ હર્ષોલ્લાસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો.



