પાટણ ચતુર્ભુજબાગમાંથી બે થી અઢી વર્ષની બાળકી શંકાસ્પદ હાલતમાં મળી.

પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાસેથી અંદાજે 2 થી 2.5 વર્ષની બાળકી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા બાળકીના પિતાની ઓળખ થઈ છે. પોલીસ હવે વીડિયોગ્રાફી સાથે તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરશે.

પાટણ ટ્રાફિક પોલીસને આ બાળકી ધ્યાને આવતા તેને સુરક્ષા અને તબીબી તપાસ માટે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળ કલ્યાણ સમિતિ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી.

પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાસે વિષ્ણુજી ઠાકોર નામનો એક યુવાન બાળકીને લઈને ફરી રહ્યો હતો. તેની અસ્વચ્છ હાલત અને ગોળ ગોળ જવાબોને કારણે મામલો શંકાસ્પદ બન્યો હતો.

બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશ જોષીએ જણાવ્યું કે, બાળકી વાલ્મિકી સમાજની છે અને તેની માતાનું અવસાન પ્રસૂતિ દરમિયાન થયું હતું. બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે ચકાસવા તેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પાટણ શહેર એ ડિવિઝન PI કે. જે. ભોંયના જણાવ્યા મુજબ, બાળકીના પિતાના ઘરે કોઈનું અવસાન થયું હોવાથી પડોશમાં રહેતા ઠાકોર યુવાનને બાળકી રમવા માટે સોંપવામાં આવી હતી. યુવાન બાળકીને બાગમાં લાવ્યો ત્યારે બાળકી રડતી હોવાથી કોઈએ હેલ્પલાઈન પર જાણ કરી હતી.

પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલના RMO રમેશ પ્રજાપતિએ માહિતી આપી કે CWCના આદેશથી બાળકીને વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની તબિયત હાલ સામાન્ય છે અને તેને કોઈ શારીરિક તકલીફ નથી.

2 વર્ષની ઉંમર મુજબ તેના જરૂરી મેડિકલ રિપોર્ટ અને રસીકરણની વિગતો તપાસવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી કોઈ ગુનાહિત બાબત સામે આવી નથી, તેમ છતાં બાળકીના પિતાને બોલાવવામાં આવ્યા છે. પિતાના આગમન બાદ તેઓએ બાળકી રમવા માટે આપી હતી કે કેમ તે અંગેની પૂછપરછ કરી વીડિયોગ્રાફી સાથે વિધિવત નિવેદન લેવામાં આવશે. ત્યાં સુધી બાળકી હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રહેશે……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here