પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી બોગસ મેડિકલ પ્રેક્ટિસ સામે કડક અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ મેડિકલ ડિગ્રી તથા લાયસન્સ વગર સારવાર કરી રહ્યા હતા એવા બે બોગસ ડોક્ટરોને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, પાટણ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી. પાટણની ટીમ દ્વારા ગુપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક વ્યક્તિઓ મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી દર્દીઓની તપાસ, ઇન્જેક્શન આપવું તેમજ વિવિધ દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ગંભીર જોખમ ઉભું કરી રહ્યા હતા.
આ તપાસના આધારે એસ.ઓ.જી. ટીમે ચાણસ્મા પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરી અને બે બોગસ ડોક્ટરોને પકડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં
(૧) અમિતભાઈ ઇશ્વરલાલ સટવાણી, રહે. બુઢડી પાટણ, તા. તથા જી. પાટણ
(૨) ગઢીયાભાઈ સાતીરામ તલુટર, રહે. મુખપુર, તા. ચાણસ્મા, જી. પાટણ
નો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન આરોપીઓ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું. તેમ છતાં તેઓ દર્દીઓને ઇન્જેક્શન આપતા, દવાઓ લખી આપતા તથા વિવિધ બીમારીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૩,૪૭૨.૨૬/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.–૨૦૨૩ની કલમ ૩૩૮(૨) તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ ૩૦ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીઓને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે, જેથી તેઓ કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા તથા અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તેની તપાસ કરી શકાય.
આ સમગ્ર સફળ કાર્યવાહીમાં પાટણ એસ.ઓ.જી. ટીમ તથા ચાણસ્મા પોલીસ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે મેડિકલ સારવાર લેતી વખતે ડોક્ટરની યોગ્ય ડિગ્રી અને લાયસન્સ અંગે ચોક્કસતા રાખવી અને જો ક્યાંય બોગસ ડોક્ટરો અંગે શંકા જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.




