“બાલીસણામાં લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસની નીતિઓથી કંટાળીને યુવાનો અને વડીલો ‘આપ’ની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે.” — આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન

પાટણ: રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો વધી રહ્યો છે ત્યારે પાટણ તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં મોટું ગાબડું પડ્યું છે. પાટણ વિધાનસભાના બાલીસણા ગામમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આયોજિત ‘પરિવર્તન સભા’ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ૫૦થી વધુ સક્રિય મુસ્લિમ કાર્યકરોએ કેસરિયો અને પંજો છોડીને ‘ઝાડુ’ પકડતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.

મસ્જિદ ચોક ખાતે યોજાઈ પરિવર્તન સભા
બાલીસણાના મસ્જિદ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રિઝવાનભાઈ અને અબ્દુલભાઈ જેવા પાયાના કાર્યકરોની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વિધિવત રીતે ‘આપ’નો ખેસ ધારણ કરી પક્ષમાં જોડાયા હતા. કાર્યકરોના આ પક્ષપલટાથી બાલીસણા-૧ તાલુકા પંચાયતની બેઠક પર આગામી સમયમાં ત્રિપાંખિયો જંગ જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં મુખ્યત્વે:
- સુરેન્દ્રસિંહ હુડ્ડા (પાટણ લોકસભા ઓબ્ઝર્વર)
- સ્વયંભાઈ સાલવી (પાટણ વિધાનસભા પ્રભારી)
- જગદીશભાઈ પરમાર (સહ પ્રભારી)
- મનુભાઈ ઠક્કર (જિલ્લા ખજાનચી)
- વિપુલભાઈ પંચાલ અને રાણાજી ઠાકોર (બાલીસણા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ)
- દિલીપસિંહ ડેર (સોશિયલ મીડિયા કો-ઇન્ચાર્જ)
આ મસમોટા પક્ષપલટાના કારણે પાટણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ માટે ચિંતાના વાદળો ઘેરાયા છે, જ્યારે આમ આદમી પાર્ટીનો ઉત્સાહ બમણો થયો છે.




