૩૦થી વધુ બોટલ રક્ત એકત્રિત…

પાટણ શહેરના જાણીતા સેવાભાવી અને ‘રક્ત પ્રયાસ-પાટણ’ ગ્રુપના ફાઉન્ડર પ્રણવ દરજીના ૩૦મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં જ્યારે પણ લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે ખડેપગે રહેતા પ્રણવ દરજીના જન્મદિવસ નિમિત્તે રોટરી ક્લબ ઓફ પાટણ અને પાટણ એસ.કે. બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવતાનું ઉત્તમ ઉદાહરણ
છેલ્લા ૦૯ વર્ષથી પાટણ જિલ્લામાં બ્લડ ડોનેશન ક્ષેત્રે સક્રિય પ્રણવ દરજીએ પોતાના જન્મદિવસ નિમિત્તે કેક કાપવા કે અન્ય ખર્ચ કરવાને બદલે રક્તદાન કેમ્પ યોજીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. આ કેમ્પમાં પાટણના રક્તદાતાઓ અને મિત્ર વર્તુળે ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં ૩૦થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી છે અને સાંજ સુધીમાં ૪૦થી વધુ રક્ત બોટલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નિઃસ્વાર્થ સેવાની સરવાણી
આ પ્રસંગે પાટણ એસ.કે. બ્લડ બેંકના એડમિનિસ્ટ્રેટર અને ‘રક્ત પ્રયાસ’ના પ્રમુખ નૈતિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, “પ્રણવભાઈ સતત પાટણ જિલ્લામાં લોહીની અછત ના સર્જાય તે માટે ચિંતા કરતા હોય છે. રોટરી ક્લબ અને એસ.કે. બ્લડ બેંક દ્વારા આ રક્તનો ઉપયોગ પાટણ સિવિલ હોસ્પિટલ કે પછી પાટણ ધારપુર હોસ્પિટલના દર્દીઓ માટે કરવામાં આવે છે જેમના કોઈ વાલીવારસ નથી અથવા જેઓ રિપ્લેસમેન્ટ આપી શકે તેમ નથી.” ત્યારે
રક્તદાતાઓનો આભાર
પોતાના જન્મદિવસ પર પ્રણવ દરજીએ જણાવ્યું હતું કે, “પાટણની જનતા અને મિત્રોનો હું ખૂબ જ આભારી છું જેઓ એક ફોન પર રક્તદાન કરવા દોડી આવે છે. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા માટે અમે હંમેશા કટિબદ્ધ છીએ.”
રોટરી ક્લબ ઓફ પાટણ અને એસ.કે. બ્લડ બેંક દ્વારા પ્રણવ દરજીની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જયારે આ પ્રસંગે રક્ત પ્રયાસ પાટણના ફાઉન્ડર પ્રણવ દરજીના જન્મદિવસ નિમિત્તે આચાર્ય મનીષભાઈ પટેલ, આચાર્ય દિપકભાઈ, કપૂરજી ઠાકોર સહિત બ્લડ બેન્ક કો.ચેર ભગવાનભાઈ પટેલ, રોટરી પ્રમુખ રો. પરિમલ જાની સહિત મોટી સંખ્યામાં રોટરી મિત્રો અને સ્નેહી મિત્રો ઉપસ્થિત રહી રક્તદાન કરી જન્મ દિવસની અનંત શુભેચ્છાઓ આપી હતી……!




