પાટણના દોશીવટ બજારમાં ગાડીની એક્સલ તૂટતા ભારે ટ્રાફિક સર્જાયો વાહનોની લાંબી કતારો લાગી

ભરચક દોશીવટ બજારમાં ફોર-વ્હીલર ખોટકાયું.

TRP પોલીસે રૂટ ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરવા જહેમત ઉઠાવી

પાટણ શહેરના સૌથી વ્યસ્ત અને હાર્દસમા ગણાતા દોશીવટ બજાર વિસ્તારમાં આજે અચાનક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

પાટણ શહેરના દોશીવટ બજારની મધ્યમાં એક ફોર-વ્હીલર ગાડીના આગળના ટાયરની એક્સલ અચાનક તૂટી પડતા ગાડી મુખ્ય બજારના રસ્તાની વચ્ચે જ થંભી ગઈ હતી, જેના પરિણામે જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.ગાડી ખોટકાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણ શહેરના દોશીવટ બજારમાં ખરીદી માટે આવતા લોકો અને પસાર થતા વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. આજે એકાએક એક ખાનગી ગાડીના આગળના ભાગમાં ટેકનિકલ ખામી સર્જાતા તેની એક્સલ તૂટી ગઈ હતી. સાંકડા રસ્તા પર વચ્ચે જ ગાડી ઉભી રહી જતા બંને બાજુથી આવતા ટુ-વ્હીલર અને રિક્ષાઓનો જમાવડો થઈ ગયો હતો. કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે વાહનોના સતત હોર્ન વાગવાને કારણે શાંત ગણાતું પાટણનું દોશીવટ બજાર ગુંજી ઉઠ્યું હતું.

પાટણ દોશીવટ બજારમાં ફરજ બજાવતા TRB પોલીસની ત્વરિત કામગીરી ટ્રાફિક જામની જાણ થતા જ પાટણ TRP પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રસ્તાની વચ્ચે ઉભેલી ગાડીને હટાવવી મુશ્કેલ હોવાથી, TRB પોલીસે સમયસૂચકતા વાપરીને ટ્રાફિકને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ટ કર્યો હતો. TRP પોલીસના જવાનોએ જાતે જ રસ્તા પર ઉતરીને વાહનવ્યવહારને સુવ્યવસ્થિત કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થયા હતા.

પાટણ શહેરના દોશીવટ બજારમાં ટ્રાફિક જામના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર પણ અસર જોવા મળી હતી. ટ્રાફિક હળવો થયા બાદ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સાંકડા બજારોમાં મોટા વાહનોના પ્રવેશ અને અચાનક સર્જાતી આવી ટેકનિકલ ખામીઓને કારણે વારંવાર ટ્રાફિકની જટીલ સમસ્યા સર્જાય છે, જેના કાયમી નિરાકરણની માંગ ઉઠી છે……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here