ભ્રષ્ટાચારનું પ્રથમ પગથિયું? શું જંગી રકમ ખર્ચીને મેદાન ખાલી કરાવનારા ભવિષ્યમાં પ્રજાના નાણાં નહીં ઉસેટે? પ્રજામાં જાગ્યા અનેક સવાલો
પાટણ:
પાટણ નગરપાલિકાની ચૂંટણીના રણમેદાનમાં અત્યારે રાજકીય ખેલ અને આંતરિક સોદાબાજીની ચર્ચાઓએ ટોક ઓફ ધી ટાઉનનું રૂપ લીધું છે. ભારતીય જનતા પક્ષ દ્વારા આ વખતે ‘રિપીટ થીયરી’ પડતી મૂકીને તમામ જૂના જોગીઓને ઘરે બેસાડી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસમાં પણ ટીકીટ ફાળવણી ને લઈને અસંત જોવાયો હતો પક્ષોના આ નિર્ણયથી નારાજ થયેલા કેટલાક વગદારોએ જ્યારે અપક્ષ તરીકે ઝંપલાવ્યું, ત્યારે જે તે પક્ષના ગણિત બગડતા દેખાયા હતા.
મોડી રાતની ‘ગુપ્ત બેઠક’ અને લાખોની સોદાબાજી ?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેવા એક મજબૂત અપક્ષ ઉમેદવારને બેસાડી દેવા માટે ગતરાત્રે એક ગુપ્ત સ્થળે બંધ બારણે બેઠક યોજાઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ બેઠકમાં પાંચ-પચીસ લાખ જેવી મોટી રકમની સોદાબાજી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિણામે, જે ઉમેદવારે મોટા ઉપાડે ફોર્મ ભર્યું હતું, તે હવે ટેકનિકલ મુદ્દા કે દબાણવશ પોતાનું ફોર્મ પરત ખેંચે અથવા રદ કરાવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.
પ્રજાના મનમાં ઉઠતા વેધક સવાલો
એક તરફ પક્ષો એવા દાવા કરી રહ્યો છે કે કોઈ પણ ખોટા કામ કરનારને ટિકિટ આપવામાં નથી આવી, ત્યારે બીજી તરફ પ્રજામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૂંટણી જીતવા માટે આ પ્રકારે અપક્ષોને નાણાં આપી મેદાનમાંથી હટાવવાની નીતિ સામે અનેક સવાલો ઉભા થયા છે:
- શું આ ભ્રષ્ટાચારનું પહેલું પગથિયું નથી? પ્રજાના મનમાં સવાલો ઉઠી રહ્યાં છે કે જો અત્યારથી જ લાખો રૂપિયા આપીને બેઠકો અંકે કરવામાં આવતી હોય, તો ચૂંટાયા પછી આ વ્યક્તિ પાલિકામાં ભ્રષ્ટાચાર કરી તેનાથી દસ ગણી રકમ જનતાના ખિસ્સામાંથી નહીં ઉસેટે તેની શું ખાતરી?
- આત્મબળ કે આર્થિક લાભ? જે ઉમેદવારો પ્રજાની સેવા કરવાના દાવા સાથે મેદાનમાં આવ્યા હતા, તેઓ રાતોરાત પોતાની કમાણી કરી સંતોષ માની લે છે, તેનાથી તેમની નૈતિકતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે.
નિર્ણય હવે પ્રજાના હાથમાં
જો ચર્ચાઓમાં ગાજી રહેલી આ વાત સાચી હોય તો ચૂંટણી પહેલા જ શરુ થયેલા આ ‘શામ-દામ-દંડ-ભેદ’ના ખેલ જોઈને પાટણની જનતામાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાએ હવે એ વિચારવાનું છે કે શું આવા ‘સોદાબાજી’ કરનારા નેતાઓ શહેરનો વિકાસ કરી શકશે ખરા? પાટણના જાગૃત નાગરિકોએ હવે નક્કી કરવાનું છે કે તેઓ લોકશાહીના પર્વમાં સૈદ્ધાંતિક ઉમેદવારને પસંદ કરશે કે પછી ‘ખરીદ-વેચાણ’ની રાજનીતિને પ્રોત્સાહન આપશે.




