LCB પાટણ ટીમની મોટી સફળતા: પાટણ-ઊંઝા હાઈવે પર દારૂ ભરેલી કાર સહિત રૂ. ૮.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત

**પાટણ:** ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરાવવા માટે પાટણ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયી તથા સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડીયાની સૂચનાથી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.)ના પોલીસ ઈન્સ્પેક્ટર આર. જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ પેટ્રોલીંગ દરમિયાન પોલીસને એક ચોક્કસ અને સચોટ બાતમી હકીકત મળી હતી કે એક સફેદ કલરની ટાટા નેક્સોન ગાડી (નંબર: GJ-01-WK-1829) માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને પાટણ-ઊંઝા હાઈવે પરથી નોરતા ગામ તરફ જઈ રહ્યો છે.
બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે નોરતા ગામે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. આ દરમિયાન બાતમી વાળી ટાટા નેક્સોન ગાડી ત્યાં આવી પહોંચતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ બુટલેગર ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે પૂરઝડપે ભગાડી મૂકી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે આ નેક્સોન ગાડીનો સરસાવ ગામ સુધી પીછો કર્યો હતો. તે સાથે જ સ્થાનિક રણુજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ ત્વરિત નાકાબંધી કરાવીને આ શંકાસ્પદ ગાડીને આખરે કોર્ડન કરીને પકડી પાડવામાં આવી હતી.
પોલીસે પકડાયેલી ટાટા નેક્સોન ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી કુલ ૧૭૪૯ નંગ બોટલ તથા ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૩,૨૧,૮૫૮/- થાય છે. પોલીસે રૂ. ૩.૨૧ લાખનો દારૂ તથા રૂ. ૫,૦૦,૦૦૦/- ની કિંમતની ટાટા નેક્સોન ગાડી મળીને કુલ રૂ. ૮,૨૧,૮૫૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસને જોઈને ગાડીનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે રણુજ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને ફરાર ગાડી ચાલક, દારૂનો જથ્થો મોકલનાર તેમજ આ જથ્થો મંગાવનાર ત્રણેય અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી રણુજ પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પીઆઈ આર. જી. ઉનાગર, પીએસઆઈ એસ. બી. સોલંકી, પીએસઆઈ પી. વી. ચૌધરી તેમજ રણુજ પોલીસ સ્ટેશનના એચ. આર. ગાળીયા, એ.એસ.આઇ. લાલાભાઇ ચેહાભાઇ, એ.એસ.આઇ. રણવીરસિંહ ચમનસિંહ, અ.હેડ.કોન્સ.વનરાજસિંહ રાણાજી, આ.પો .કોન્સ. પ્રવિણસિંહ જેસંગજી, અ.પો .કો . વિજેન્દ્રસિંહ રાણજી રણુજ પો . સ્ટે. વિગેરે પોલીસ કર્મીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here