પાટણ:
પાટણ શહેરના વ્યસ્ત ગણાતા વાદી સોસાયટી વિસ્તારમાં આવેલી એક રૂની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાદી સોસાયટી પાસે કાર્યરત ‘મસ્તાના કોટન વર્કસ’ નામની રૂના ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. દુકાનમાં મોટા જથ્થામાં સૂકું રૂ (કોટન) રાખવામાં આવ્યું હોવાથી આગે ગણતરીની મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગના કારણે ઉઠેલા ધુમાડાના ગોટેગોટાથી આકાશ કાળુંડિબાંગ થઈ ગયું હતું, જેને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભય અને ગભરાટ ફેલાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને આ અકસ્માત અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાટણ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાકીદે મોરચો સંભાળીને પાણીનો ભારે મારો ચલાવ્યો હતો અને આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતના સમાચાર છે. જોકે, આગમાં દુકાન અંદર રાખેલો કિંમતી માલસામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. ફાયર વિભાગની તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળતાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ હાશકારો અનુભવ્યો છે.




