પાટણ,
પાટણ શહેરમાં તાજેતરમાં જ બનેલા નવા પેવર રોડ સ્થાનિક રહીશો માટે સુવિધાના બદલે મુશ્કેલીનું કારણ બન્યા છે. પાટણ નગરપાલિકાના નગરસેવક ભરતકુમાર જયંતીલાલ ભાટીયા દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બહેનશ્રી હીરલબેન ઠાકરને ઈમેલ અને વોટ્સએપ મારફતે એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, પાટણ શહેરના વોર્ડ નંબર – ૮ માં ઝવેરી બજાર ચાર રસ્તાથી રસણીયાવડા તરફ તાજેતરમાં જ નવીન પેવર રોડ બનાવવામાં આવ્યો છે. જોકે, આ સદભર રોડ બન્યા બાદ રોડની ઊંચાઈ વધી ગઈ છે, જેના કારણે આસપાસના તમામ મહોલ્લાઓમાં વરસાદી પાણી તેમજ ઉભરાતી ભૂગર્ભ ગટરના પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની ભીતિ, રહીશો પરેશાન
રોડના લેવલિંગમાં ખામીના કારણે વોર્ડ નંબર – ૮ માં આવેલા નીચે મુજબના આંતરિક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે:
- સુખડીવટની પોળ અને ખાપગરાની પોળ
- ઝવેરી બજાર ચાર રસ્તા, ફોફળીયાવાડો અને મોટી ભાટીયાવાડ
- રંગરેજ વાડો અને રંગરેજ વાડાની શેરી
- રસણીયાવડા અને છાછીયાઘરો
- પદ્મનાથની પોળની પાછળનો ભાગ
- જુનાગંજ બજાર અને કૃષ્ણા સિનેમા પાસેનો વિસ્તાર
આ વિસ્તારોમાં ગટર અને વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જોખમાઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે.
તાત્કાલિક સ્થળ તપાસ અને રોડ લેવલિંગની માંગ
નગરસેવક ભરતભાઈ ભાટીયાએ જનહિતના આ પ્રશ્નને ગંભીરતાથી લઈ ચીફ ઓફિસરને વિનંતી કરી છે કે તેઓ પોતે ઝવેરી બજાર ચાર રસ્તાથી રસણીયાવડા તરફ આવતા તમામ મહોલ્લા અને પોળની સ્થળ તપાસ કરે. રોડના લેવલિંગની ખામી સુધારી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવે જેથી સ્થાનિક લોકોને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે.




