પાટણ 108 ટીમને દર્દીનો જીવ બચાવવા બદલ હૈદરાબાદમાં રાષ્ટ્રીય ‘સેવિયર એવોર્ડ’ મળ્યો…

પાટણ તા. 27
પાટણની 108 એમ્બ્યુલન્સ ટીમને હૃદયરોગના ગંભીર દર્દીનો જીવ બચાવવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો ‘નેશનલ સેવિયર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન સમારોહ હૈદરાબાદ ખાતે યોજાયો હતો.
108 ઇમરજન્સી સેવાના EMT નિલેશ ચેતવાણી અને પાયલોટ જયસિંહ રાજપૂતને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. હૈદરાબાદમાં GVK ગ્રુપના સ્થાપક અને ચેરમેન જી.વી.કે. રેડ્ડી તેમજ ગુજરાત EMRI GHSના COO જશવંત પ્રજાપતિના હસ્તે તેમને ‘નેશનલ સેવિયર એવોર્ડ’ પ્રદાન કરવામાં આવ્યો હતો.
ઘટના ગત 23 એપ્રિલના રોજ બની હતી, જ્યારે પાટણ 108 ટીમને 50 વર્ષીય દર્દી તુલસીભાઈ નરશીભાઈને ધારપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. 123 કિલોમીટરના આ લાંબા રૂટ પર, વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા દર્દીને રસ્તામાં જ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો.આ કટોકટીભરી સ્થિતિમાં,108 ટીમે તાત્કાલિક CPR આપ્યું અને દર્દીનો એરવેમેનેજ કર્યો. અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટરની ટેલિફોનિક સલાહ મુજબ, જરૂરી ઇન્જેક્શન અને દવાઓ આપીને દર્દીના ધબકારા ફરી શરૂ કરવામાં ટીમને સફળતા મળી હતી.
દેશના 15 રાજ્યોમાં કાર્યરત 108 ઇમરજન્સી સેવાના શ્રેષ્ઠ ક્રિટિકલ કેસો માંથી પાટણના આ કેસની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી.
આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાટણ જિલ્લા 108 ની ટીમ, પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી અને EME નરેશ પટેલને અભિનંદન મળી રહ્યા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here