ગામના લોકોની વેદના સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી સાથે સાંત્વના આપી.
પાટણ તા. 27
સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા ગામોની પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિન પટેલે ટ્રેક્ટરમાં બેસી મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરીને વરસાદથી જનજીવન પર પડેલી અસર અને ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલીઓ સાંભળી તેના તાત્કાલિક નિરાકરણ ની ખાતરી આપી સાંત્વના આપી હતી.
વારાહી-ગોખાતર માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ માર્ગ બંધ હોવાને કારણે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિન પટેલ ટ્રેક્ટરમાં સવાર થઈને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન ગ્રામજનોએ રસ્તા બંધ થવાથી અવરજવર, રોજગાર, વિદ્યાર્થીઓ અને જરૂરી સેવાઓમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે વારાહી-ગોખાતર માર્ગ પર ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ કરવાની અને માર્ગને વહેલી તકે વાહનવ્યવહાર માટે શરૂ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી.
પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળે અને સામાન્ય જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે જિલ્લા તંત્ર સાથે સતત સંકલન રાખીને તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.




