પદમનાથ ચાર રસ્તા પાસેથી ઝડપાયો: મોરબીના માળિયા મિયાણાના પ્રોહિબિશન કેસમાં પણ સંડોવણી, અગાઉ શંખેશ્વર, ધ્રાંગધ્રા અને સાયલામાં ગુના નોંધાયા છે
પાટણ:
આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પાટણ સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે પદમનાથ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલો શખ્સ મોરબીના માળિયા મિયાણાના અન્ય એક દારૂના કેસમાં પણ વોન્ટેડ હતો.
બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષીતા રાઠોડ, પાટણ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા તથા પાટણ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. શાહના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સોજીત્રા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. કલમ ૪૨૦ અને ૧૧૪ મુજબના છેતરપિંડીના ગુનાનો આરોપી પાટણના પદમનાથ ચાર રસ્તા પાસે હાજર હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી મહાવિરસિંહ બાબુજી ચતુરજી ઝાલા (ઉં.વ. ૪૦, હાલ રહે. મકાન નં. ૧૨૦, માધવનગર, પાટણ; મૂળ રહે. મોટી ચંદુર, તા. શંખેશ્વર, જિ. પાટણ)ને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી સોજીત્રા ઉપરાંત મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનામાં પણ વોન્ટેડ હતો. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ અગાઉ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ધાડ (કલમ ૩૯૫) તેમજ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ સફળ કામગીરીમાં પાટણ સિટી ‘બી’ ડિવિઝન પો.ઇન્સ. એન. એ. શાહ, પીએસઆઈ એચ. આર. ગાડીયા, એએસઆઈ/અ.હેડ કોન્સ્ટેબલ કમલેશકુમાર કાંતીલાલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ સામતસિંહ અને હજુરસિંહ ભીખુભા સહિતનો સ્ટાફ જોડાયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




