સિદ્ધપુર:
સિદ્ધપુર પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ ખાતે દરોડો પાડી ભોગ બનનાર સગીરાને હેમખેમ મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા દ્વારા ૧૮ વર્ષથી નીચેની ગુમ કે અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા આપેલ ખાસ સૂચના અનુસંધાને સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબ નોંધાયેલા અપહરણના ગુનાની ગંભીરતા લઈ સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ઝાલાની આગેવાનીમાં પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં ભોગ બનનાર સગીરા અને આરોપી ઉત્તરાખંડના ઋષિકેશમાં હોવાની બાતમી મળતાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. અરવિંદભાઈ જુમાભાઈ, અ.હેડ.કોન્સ. સેજલકુમાર બેચરભાઈ તથા વુ.પો.કોન્સ. સેજલબેન બાબુસિંહની એક ટીમને તાત્કાલિક ઋષિકેશ રવાના કરવામાં આવી હતી.
પોલીસ ટીમે ઋષિકેશ ખાતે તપાસ હાથ ધરી ભોગ બનનાર સગીરાને શોધી કાઢી આરોપી પુનમભાઇ પ્રહલાદભાઇ પરમાર (રહે. લાલપુર આંબેડકરનગર, તા. સિદ્ધપુર, જિ. પાટણ) ને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ બંનેને સિદ્ધપુર લાવી સગીરા સંદર્ભે આગળની કાર્યવાહી પૂર્ણ કરી તપાસ અધિકારી શ્રી એમ.કે. ઝાલાએ આરોપી પુનમ પરમારની વિધિવત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં સિદ્ધપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ઝાલા સાથે એ.એસ.આઈ. અરવિંદભાઇ જુમાભાઇ, અ.હેડ.કોન્સ. સેજલકુમાર બેચરભાઇ, અ.હેડ.કોન્સ. છત્રસિંહ આલસંગજી, અ.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ સરદારસિંહ, અ.પો.કો. હાર્દિકકુમાર વિષ્ણુભાઇ, એ.એસ.આઈ. રાહુલકુમાર વિરજીભાઇ, અ.હેડ.કોન્સ. ગોવિંદભાઇ સોમાભાઇ, હેડ.કોન્સ. વિક્રમસિંહ હરુભા, પો.કોન્સ. કરણસિંહ ગુલાબસિંહ, પો.કોન્સ. જીગ્નેશકુમાર વિષ્ણુભાઇ, પો.કોન્સ. અત્રિભાઇ કનુભાઇ, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દશરથસિંહ તેમજ વુ.પો.કોન્સ. સેજલબેન બાબુસિંહ જોડાયા હતા.




