સાત જેટલી દુકાનોના ઇલેક્ટ્રિક સાધનો બળીને ખાખ
ઓગડ તાલુકાના થરા નગરમાં ગત શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ સાથે આકાશી વીજળીનો કડાકો થયો હતો.
થરાના ભક્તિનગર વિસ્તારમાં વિનય વિદ્યા મંદિરના નાકે આવેલ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા મોબાઇલ ટાવર પર સીધી આકાશી વીજળી પડતાં આસપાસની દુકાનોમાં ભારે નુકસાન થયું છે.
વીજળીના આંચકાથી નાકુ કુપા વેલ્ડિંગ વર્કસ, જય અંબે પુજન વર્કસ, આનંદ ઓટો પાર્ટસ, મહાકાળી ઓટો ગેરેજ, શ્રી ચામુંડા ઓટો ગેરેજ, ગણેશ વેલ્ડિંગ વર્કસ અને વિશ્વકર્મા વેલ્ડિંગ વર્કસ સહિત અનેક દુકાનોમાં રાખેલા સાધનો બળી ગયા હતા.
આ ઘટનામાં વેલ્ડિંગ મશીન, એલ.ઈ.ડી. લાઈટો, પંખા, સીસી ટીવી કેમેરા, વાયરિંગ તેમજ અન્ય ઇલેક્ટ્રિક સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયાનું સ્થાનિક વેપારીઓ એ જણાવ્યું હતું.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વીજળી પડી તે સમયે દુકાનોમાં કોઈ ગ્રાહક કે કારીગર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ કુદરતનો આભાર વ્યક્ત કર્યો હતો અને તંત્રને વીજ સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




