દારૂ જુગારની બદી ઘર-ઘર બરબાદ કરી રહી છે
ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દ્રમાણા ગામની સીમમાંથી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
થરા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ઇન્દ્રમાણા ગામની સીમમાં આવેલ કાંતોડીયા નામના ગૌચરમાં ખુલ્લી જગ્યામાં રાત્રિ દરમિયાન કેટલાક શખ્સો જુગાર રમે છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ગોઠવી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જોયું કે એક ચાર્જિંગ બલ્બના અજવાળે કેટલાક લોકો ગોળ કુંડાળું કરીને બેસી ગંજીપાના વડે પૈસાની હારજીત કરી રહ્યા હતા.પોલીસને જોતા જ ભાગવાનો પ્રયાસ કરનારા આરોપીઓને પોલીસે ઘેરો ઘાલીને પકડી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ રોકડ રૂપિયા ૧૦૨૦૦, ગંજીપાના અને જુગારમાં વપરાતો અન્ય સામાન કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુજરાત જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળની તપાસ થરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
જનતાને અપીલ છે કે જો તેમના વિસ્તારમાં ક્યાંય પણ દારૂ જુગાર કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તાત્કાલિક નજીક ના પોલીસ સ્ટેશનનો અથવા જિલ્લા કક્ષાએ જાણ કરો.
યશપાલસિંહ ટી વાઘેલા, થરા




