અમદાવાદ-પાલનપુર રેલખંડમાં બ્લોકને કારણે ૧૪ ઓગસ્ટે પાટણ-સાબરમતી-પાટણ સહિત ૧૦ ટ્રેન રદ, ૪ શોર્ટ ટર્મિનેટ અને ૮ ડાયવર્ટ કરાઈ

સાબરમતી-પાટણ ડેમુ, સાબરમતી-મહેસાણા ડેમુ, મહેસાણા-પાટણ, સાબરમતી-પાટણ ડેમુ, મહેસાણા-પાટણ સંપૂર્ણ રદ કરાઈ

અમદાવાદ:

અમદાવાદ-પાલનપુર રેલખંડ પર આવેલા આંબલિયાસણ-જગુદણ-મહેસાણા-ભાંડુ મોટીદાઉ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ માટે ૧૪ ઓગસ્ટના રોજ નોન-ઇન્ટરલોકિંગ બ્લોક લેવામાં આવશે, જેના પગલે રેલવે તંત્ર દ્વારા આ રૂટ પર દોડતી મેમુ, ડેમુ અને એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનોના સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા મળતી માહિતી મુજબ ૧૪ ઓગસ્ટના રોજ ૧૦ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે, ૪ ટ્રેનોને આંશિક રીતે રદ (શોર્ટ ટર્મિનેટ) કરવામાં આવી છે, જ્યારે ૮ ટ્રેનોના રૂટ બદલીને (ડાયવર્ટ) દોડાવવામાં આવશે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનોમાં ૦૯૪૩૩/૩૪ સાબરમતી-પાટણ ડેમુ, ૬૯૨૦૭/૦૮ ગાંધીનગર-વરેઠા મેમુ, ૦૯૪૩૭/૩૮ મહેસાણા-આબુ ડેમુ, ૦૯૪૩૧/૩૨ સાબરમતી-મહેસાણા ડેમુ, ૫૯૫૦૯/૧૦ મહેસાણા-વીરમગામ, ૫૯૪૮૧/૮૨ મહેસાણા-ભીલડી, ૫૯૪૭૫/૭૬ મહેસાણા-પાટણ, ૦૯૪૩૫/૩૬ સાબરમતી-પાટણ ડેમુ, ૫૯૪૮૩/૮૪ મહેસાણા-પાટણ અને ૫૯૫૧૧/૧૨ મહેસાણા-વીરમગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૪૮૨૧/૨૨ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે તથા ૨૦૯૫૯/૬૦ વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

બીજી તરફ, ૨૦૪૮૯ સાબરમતી-જૈસલમેર, ૦૪૧૭૩ પ્રયાગરાજ-વેરાવળ, ૧૪૮૦૭ જોધપુર-દાદર, ૧૪૮૦૮ લાલગઢ-સાબરમતી, ૨૦૬૨૬ ભગતકી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ, ૧૯૦૩૧/૩૨ સાબરમતી-યોગનગરી ઋષિકેશ અને ૧૯૪૧૨ દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સહિતની ૮ ટ્રેનોને તેમના નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ પરથી દોડાવવામાં આવશે. વધુમાં, ૧૯૦૩૧/૩૨ સાબરમતી-યોગનગરી ઋષિકેશ અને ૧૯૪૧૨ દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનોના સિદ્ધપુર તથા ઊંઝા રેલવે સ્ટેશને આપેલા સ્ટોપેજ પણ ૧૪ ઓગસ્ટના રોજ એક દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.

સ્થાનિક ડેમુ અને મેમુ ટ્રેનો બંધ રહેવાના કારણે અમદાવાદ, મહેસાણા, પાટણ અને પાલનપુર વચ્ચે રોજિંદી અવરજવર કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા છે. ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમથી ભવિષ્યમાં ટ્રેનોની સુરક્ષા અને ગતિમાં સુધારો થશે તેમ જણાવતા રેલવે તંત્રે મુસાફરોને પડેલી અસગવડ બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરી શરૂ કરતા પહેલા રેલવે હેલ્પલાઇન ૧૩૯ અથવા NTES એપ પરથી ટ્રેનનું સ્ટેટસ ચકાસી લેવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here