રસોડાના સ્ટીલના ડબ્બામાં છુપાવ્યો હતો મોતનો સામાન : 78 ગ્રામ ડ્રગ્સ, કેશ અને ડિજિટલ કાંટો જપ્ત!
ખાખીનો સપાટો : મુખ્ય સપ્લાયર સહિત ત્રણ સામે NDPS હેઠળ સકંજો, શોધખોળ તેજ!
પાટણમાં નશાના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર
પાટણ શહેરમાં નશાના સોદાગરો સામે પાટણ પોલીસનું મોટું અને સપાટો બોલાવતું ઓપરેશન સામે આવ્યું છે. પાટણ શહેરના રાજકાવાડા સ્થિત નિશાળની પોળ વિસ્તારમાં પોલીસે અચાનક ત્રાટકીને ગેરકાયદેસર મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ. અલુભા દોલુભા અને તેમની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સરકારી પંચોને સાથે રાખીને એક મકાનમાં દરોડો પાડ્યો હતો. બાતમી હતી કે ઈરફાનઅલી ઉર્ફે ધોની સૈયદ અને તેની પત્ની ફિરોજાબાનુ ઘરમાં બેસીને નશાની પુડીઓ વહેંચી રહ્યા છે.
પોલીસ કાફલો જ્યારે ઘરમાં પ્રવેશ્યો ત્યારે ફિરોજાબાનુ હાજર મળી આવી હતી. ઘરમાં તલાશી લેવાતાં રસોડાના એક સ્ટીલના ડબ્બામાંથી પારદર્શક ઝીપલોક બેગમાં પીળાશ પડતો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. તાબડતોબ એફએસએલ (FSL) અધિકારીને સ્થળ પર બોલાવી ટેસ્ટિંગ કિટથી તપાસ કરાવતાં જ પોલીસ ચોંકી ઉઠી હતી—એ પદાર્થ બીજું કંઈ નહીં પણ ખતરનાક MD ડ્રગ્સ હતો. વજન કરાવતાં 78.300 ગ્રામ શુદ્ધ ડ્રગ્સ હોવાનું ખુલ્યું, જેની બજાર કિંમત અંદાજે 2 લાખ 34 હજાર 900 રૂપિયા આંકવામાં આવી છે.
સ્થળ પરથી માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ નશાના વેચાણ માટે વપરાતો ડિજિટલ વજન કાંટો, 76 જેટલી ઝીપલોક પેકિંગ થેલીઓ, ચમચી, 12,800 રૂપિયા રોકડા અને બે મોબાઈલ ફોન સહિત કુલ 2 લાખ 57 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન ઝડપાયેલી મહિલાએ કબૂલ્યું કે આ ઝેરનો જથ્થો હરેશ પ્રજાપતિ અને તેના બે સાગરીતો વેચાણ અર્થે આપી ગયા હતા. હાલ પાટણ શહેર એ ડિવિઝન પોલીસે NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી લીધી છે. પીએસઆઈ રમેશકુમાર ચાવલાના નેતૃત્વમાં હવે ફરાર મુખ્ય સપ્લાયર હરેશ પ્રજાપતિ અને અન્ય સાગરીતોને દબોચી લેવા માટે પોલીસે ચારેય તરફ ચક્ર ગતિમાન કર્યા છે….!




